Vadodara

બિલ વિસ્તારમાં પ્રેશર લાઇન અને ડ્રેનેજના કામમાં વિલંબ, પાલિકાએ ઈજારદાર દિનેશ અગ્રવાલને નોટિસ આપી



કામમાં વિલંબથી નાગરિકોને મુશ્કેલી, પાલિકા દ્વારા ત્વરિત પૂર્ણ કરવાની સુચના

વડોદરા શહેરના પાલિકા હદમાં નવા જોડાયેલા બિલ વિસ્તારમાં પ્રેશર લાઇન અને ડ્રેનેજ નાંખવાના કામમાં થઈ રહેલા વિલંબને લઈ પાલિકા તંત્રે ઈજારદાર મે. દિનેશચંદ્ર આર. અગ્રવાલને નોટિસ પાઠવી છે. પાલિકા તંત્રે ઈજારદારને તાકીદે કામગીરી પૂર્ણ કરવા લખિત સૂચના આપી છે, કેમ કે આ પ્રોજેક્ટ સરકારની અમૃત 2.0 યોજના હેઠળ છે અને નાગરિકોને પરેશાનીઓથી બચાવવા માટે ઝડપથી પૂર્ણ થવું આવશ્યક છે.

ઈજારદાર દ્વારા પાંચ મીટરથી વધુ ઉંડાઇમાં RCC મશીનહોલની ડિઝાઇન 4 જાન્યુઆરી 2025ના રોજ વિલંબથી સબમિટ કરવામાં આવી, જે 18 જાન્યુઆરી 2025ના રોજ મંજૂર કરાઈ હતી. પરંતુ, મંજૂરી મળ્યા પછી પણ 17 RCC મશીનહોલ બનાવવાનું કામ આજદિન સુધી શરૂ કરવામાં આવ્યું નથી. પરિણામે સ્થાનિક નાગરિકો, રાહદારીઓ અને વાહનચાલકો માટે અવરજવર મુશ્કેલ બની છે. રસ્તાઓ ખુલ્લા ન હોઈ, પ્રોજેક્ટની વિલંબિત કામગીરી નાગરિક જીવનશૈલીને પ્રભાવિત કરી રહી છે.

કાર્યપાલક ઈજનેર (N.P Canal Dn. NO. 10/SSNL) કચેરીના રેકોર્ડ મુજબ, ઈજારદાર દિનેશચંદ્ર આર. અગ્રવાલને કેનાલ ક્રોસિંગ અંતર્ગત 76.60 લાખ રૂપિયા ભરવાના હતા. પાલિકા દ્વારા વારંવાર મૌખિક અને લેખિત રીતે રકમ ભરવા યાદ અપાયા છતાં, 29 જાન્યુઆરી 2025ના રોજ ચૂકવણી કરવામાં આવી હતી. ચુકવણીમાં થયેલા આ વિલંબને કારણે પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મેળવવામાં પણ મોડું થયું અને કામકાજ વધુ પડતું ધીમું પડ્યું.

પ્રોજેક્ટ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ ન થતા, પાલિકાની છબી પણ ખરડાઈ રહી છે. નાગરિકોની ફરિયાદો વધતા, શહેરના મ્યુનિસિપલ કમિશનરે રીવ્યુ મીટીંગમાં આ કામ તરત પૂર્ણ કરવા માટે સખ્ત સુચનાઓ આપી છે. પાલિકા તંત્રએ ઈજારદારને વધુ મેનપાવર, મશીનરી અને મટીરીયલ્સ સાથે કામમાં ગતિ લાવી, નિયત સમયમર્યાદા પહેલા પ્રોજેક્ટ પૂર્ણ કરવા જણાવ્યું છે. સાથે જ, રિવાઈઝ બાર ચાર્ટ સબમિટ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

Most Popular

To Top