વડોદરા મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બિલ,ભાયલી અને સેવાસી વિસ્તારમાં બનાવાયેલા ઈડબલ્યુએસ-૨ પ્રકારના આવાસો માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત વધારવામાં આવી છે. પાલિકાની આ પહેલ દ્વારા જરૂરિયાતમંદોને વધુ એક તક મળી રહી છે. અગાઉ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ, સાંજના ૬ વાગ્યા સુધીની નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ જાહેર થયેલા આ હાઉસિંગ યોજના માટે મળેલા ભારે પ્રતિસાદને પગલે હવે ફોર્મ ભરવાની સમયમર્યાદા વધારીને ૨૦ મે, સાંજના ૬ વાગ્યા સુધી રાખવામાં આવી છે. જેથી હજી સુધી ફોર્મ નહીં ભર્યા હોય એવા લાભાર્થીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે. અરજદારોને વડોદરા મહાનગર પાલિકાની અધિકૃત વેબસાઈટ પર જરૂરી દસ્તાવેજો અપલોડ કરી ઑનલાઇન અરજી કરવાની સુવિધા આપવામાં આવી છે. આ યોજના વડે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પોતાનું ઘર મેળવવાનો મોકો મળી રહ્યો છે. આવાસ મેળવવા ઈચ્છુક નાગરિકોએ સમયમર્યાદા પૂર્ણ થાય એ પહેલા અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. વધુ માહિતી માટે વડોદરા મહાનગર પાલિકાની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવા અપીલ કારાઈ છે.