Vadodara

બિલ કેનાલ રોડ પર ખાડાના કારણે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત, હાથની આંગળી ગુમાવવી પડી

ડવ ચાર રસ્તા પાસે ખાડામાં બાઈક સ્લીપ થતા અકસ્માત, પાલિકા સામે વળતરની માંગણી સાથે તંત્રની બેદરકારી સામે આક્ષેપો ઉઠ્યા.l

વડોદરા: વડોદરા શહેરના બિલ કેનાલ રોડ ઉપર ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટુ-વ્હીલર ચાલક દેવીદાસ બરાડેને પોતાના જમણા હાથની એક આંગળી ગુમાવવાની નોબત આવી હતી‌.

મળતી માહિતી મુજબ, દેવીદાસ બરાડે પ્લેનેટ વન ખાતે રહે છે અને ગઇકાલે વહેલી સવારે દૂધ લેવા નીકળ્યા હતા ત્યારે રસ્તા પર આવેલા મોટા ખાડા કારણે તેમનું બાઈક સ્લીપ થઇ ગયું હતું. અકસ્માતમાં તેઓ જમીન પર પટકાયા અને તેમનો હાથ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે ડોક્ટરે તેમની એક આંગળી કાપવી પડી‌.

દેવીદાસ બરાડેનું કહેવું છે કે, શહેરમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બિસ્માર બની છે, અને પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય નાગરિકોને જીવલેણ નુકસાન ભોગવવું પડે છે‌. તેઓ ખાનગી કંપનીમાં કમ્પ્યુટર આધારિત નોકરી કરે છે, અને આંગળી ગુમાવવાના કારણે તેમની આવક પર પણ ગંભીર અસર પડી છે. દેવીદાસે તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું કે, “મારા પરિવારની આજીવિકા પર જોખમ ઊભું થયું છે, હવે પાલિકા તંત્રે વળતર આપવું જોઈએ”‌.

આ અકસ્માત પછી સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને પાલિકા તંત્ર સામે પ્રશ્નો ઉઠાવાયા છે કે, વારંવાર ફરિયાદો છતાં રસ્તાના ખાડા ભરવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે. હાલ, ભોગ બનનાર દ્વારા વળતરની માંગણી સાથે તંત્રની જવાબદારી નિશ્ચિત કરવા માંગણી ઉઠી છે‌.

Most Popular

To Top