સુરતથી વ્હેલ ની ઉલ્ટી વેચાણ કરવા માટે લાવ્યાં અને ગ્રાહકોને શોધતા હતા ત્યારે એલસીબી ઝોન-2ની ટીમે દબોચ્યાં
વ્હેલની ઉલ્ટી રૂ.1.58 કરોડ, 6 મોબાઇલ રૂ.1.77 લાખ અને કાર રૂ.5 લાખ મળી રૂ.1.65 કરોડનો મુદામાલ કબજે
પ્રતિનિધિ વડોદરા તા.25
સુરતમાંથી વ્હેલની ઉલટીનો જથ્થો વડોદરામાં લાવીને બિલ કેનાલ રોડ પર આવેલા ગ્રાઉન્ડમાં ઉભી રહીને વેચાણ કરવા માટે ગ્રાહકોની શોધખોળ કરી રહેલા 6 શખ્સોને એલસીબી ઝોન-2ની ટીમે ઝડપી પાડ્યાં હતા. તેમની પાસેથી વ્હેલની ઉલ્ટી રૂ.1.58 કરોડ, કાર રૂ.5 લાખ અને 6 મોબાઇલ રૂ.1.77 લાખ મળી રૂ. 1.65 કરોડનો મુદ્દમાલ કબજે કરી અટલાદરા પોલીસમાં સુપ્રત કરાયો છે.
સુરતના કેટલાક શખ્સો સ્વિફ્ટ ડીઝાયર કારમાં સુરતથી વ્હેલની ઉલ્ટી (એંબેરગ્રીસ)નો શંકાસ્પદ જથ્થો લઇને વેચાણ કરવા માટે આવ્યાં છે અને હાલમાં તેઓ બીલ કેનાલ પાસે આવેલા ધ માર્ક કોમ્પલેક્ષના ગ્રાઉન્ડમાં ઉભા છે. તેવી બાતમી અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહેલી એલસીબી ઝોન-2ની મળી હતી. જેના આધારે એલસીબી ઝોન-2ની ટીમે બાતમી મુજબના બિલ કેનાલ પાસેના ગ્રાઉન્ડમાં જઇને તપાસ કરતા એક કાર ઉભેલી હતી. જેથી પોલીસે ત્યાં જઇને કારમાં તપાસ કરતા 6 શખ્સો મળી આવ્યાં હતા. તેમની કારમાં ઝડતી કરી હતી ત્યારે શંકાસ્પદ વ્હેલની ઉલ્ટી (એંબેરગ્રીસ)નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે 6 શખ્સોને ઝડપી પાડીને તેમની પૂછપરછ કરતા સુરતથી વડોદરામાં વેચાણ કરવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે શંકાસ્પદ વ્હેલની ઉલ્ટી રૂ.1.58 કરોડ, 6 મોબાઇલ રૂ. 1.77 લાખ અને કાર રૂ. 5 લાખ મળી રૂ.1.65 કરોડનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે અટલાદરા પોલીસને સુપ્રત કર્યો છે.
– શંકાસ્પદ જથ્થા માટે એફએસએલની પણ મદદ લેવાઇ
સુરતથી શંકાસ્પદ વહેલની ઉલ્ટી લઈને 6 શખ્સ વડોદરા વેચવા માટે આવ્યા હતા. તેઓ અટલાદરા વિસ્તારમાં ગ્રાહકની શોધમાં હતા. તે સમયે એલસીબી ઝોન-2ની ટીમે જઇને તેમને ઝડપી પાડ્યા હતા. અમે એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવી હતી. શંકાસ્પદ વહેલ માછલીની ઉલ્ટીના સેમ્પલ લઇને એફએસએલમાં ચકાસણી માટે મોકલાયાં છે.
અભય સોની, ડીસીપી
– આરોપીઓના નામ સરનામા
– સુરેન્દ્રસિંહ મહેન્દ્ર ચાવડા (રહે. પરમ ક્રેષ્ટ અટલાદરા, બિલ કેનાલ રોડ વડોદરા)
– ગૌતમ અર્જુન વસાવા (રહે. શારદા ડુપ્લેક્ષ, કલાદર્શન ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરા)
– દિપક ભીખા રબારી (રહે. વ્હોરા ગામ, ભાથીજી ફળિયુ, તા. તિલકવાડા, નર્મદા)
– સિધ્ધાર્થ ઉર્ફે સન્ની સના તડવી (રહે. મહેશનગર સોમાતળાવ તરસાલી વડોદરા)
– સુરજસિંગ સુરજીતસિંગ કાંબોજ (રહે. શ્યામલ હાઇટ્સ વાઘોડિયા રોડ વડોદરા)
– રાજુ ઉર્ફે સંજય લક્ષ્મણ ભરવાડ (રહે. ભરવાડવાસ સંતોષી માતા મંદિર પાસે દંતેશ્વર વડોદરા)
– સુરતમાંથી જથ્થો કોની પાસેથી લાવ્યાં હતા ?
આરોપીઓ સુરતથી વ્હેલી માછલીને ઉલ્ટીનું વેચાણ કરવા માટે આવ્યાં છે અને ગ્રાહકોની શોધમાં છે. પરંતુ સુરતથી જથ્થો લાવનાર 6 આરોપીઓ પૈકી એક પણ આરોપી સુરતનો નથી, બીજી તરફ કાર પણ વડોદરા પાસિંગની છે. જેથી તો પછી સુરતમાં કોની પાસેથી આ વ્હેલ માછલી ઉલ્ટીનો જથ્થો લાવ્યા હતા કેટલામાં ખરીદયો હતો તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરાઇ છે.
વ્હેલ માછલીની ઉલ્ટી પાણીના સંપર્કમાં આવતા નક્કર થઈ જાય છે
સમુદ્રમાં રહેતી વિશાળકાય વ્હેલ માછલી કોઈ પદાર્થ ગળી જાય ત્યારે અથવા તો કોઈ એવો પદાર્થ ખાવામાં આવી જાય અને તેને માફક ન આવે ત્યારે આ માછલી ઉલ્ટી કરીને કાઢી નાખતી હોય છે. આ વ્હેલ માછલીની ઉલ્ટી સમુદ્રમાં પાણીના સંપર્કમાં આવે છે ત્યારે નક્કર થઈ જાય છે. ત્યારબાદ આ ઉલ્ટી પાણીમાં તરતી તરતી સમુદ્રના કિનારે આવી જાય છે. ત્યારબાદ જે જાણકાર લોકો હોય છે તે આ ઉલ્ટીને મેળવીને તેનું વેચાણ કરતા હોય છે. વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત કરોડોમાં બોલાતી હોય છે.
વ્હેલ માછલીની ઉલ્ટીનો ઉપયોગ કોસ્મેટિક તથા અત્તર બનાવવામાં થાય છે
વ્હેલ માછલી દ્વારા બહાર કરવામાં આવતી વ્હેલ ને ઘણી અલગ અલગ પ્રકારની વસ્તુ બનાવવામાં ઉપયોગમાં લેવાતી હોય છે. કરોડોમાં વેચાતી આ વ્હેલ માછલીની ઉલટી માંથી કોસ્મેટિકની વસ્તુઓ, અત્તર તથા દવા બનાવવામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.