Vadodara

બિલ કેનાલમાં ગાબડું પડતા પાણીની રેલમછેલ, માર્ગ પર ફરી વળ્યું પાણી

હજારો લીટર પાણી રોડ પર વહી જતા વાહનચાલકો મુશ્કેલીમાં


(પ્રતિનિધિ) વડોદરા, તા.18
વડોદરા શહેરના કલાલી બિલ રોડ ઉપર આવેલી કેનાલમાં ગાબડું પડતા ભારે પાણીનો વેડફાટ થયો હતો. કેનાલમાંથી હજારો લીટર પાણી રોડ પર વહી જતા સમગ્ર માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પાણી ફરી વળતા માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાની ફરજ પડી હતી.

બિલ રોડ વિસ્તારમાં કેનાલમાંથી થયેલા લીકેજના કારણે સતત રોડ પર પાણી ભરાઈ રહેતા રસ્તાનો એક ભાગ તૂટી ગયો છે. ખાસ કરીને બે-વ્હીલર ચાલકો અને રાહદારીઓ માટે આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. પાણી ભરાવાના કારણે રસ્તાની ખરાબ સ્થિતિ દેખાતી ન હોવાને કારણે અકસ્માતની સંભાવના પણ વધી છે.

સ્થાનિકોમાં રોષ, તાત્કાલિક મરામતની માગ

કેનાલમાં પડેલા ગાબડાને લઈને સ્થાનિક રહીશોમાં તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિસ્તારના આગેવાન રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે, કેનાલ વિભાગ દ્વારા સમયસર યોગ્ય દેખરેખ ન રાખવામાં આવતાં આવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

તેમણે કેનાલ વિભાગને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કેનાલનું લીકેજ બંધ કરવા તેમજ તૂટેલા રોડની તાત્કાલિક મરામત કરવા માંગ કરી છે. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે, જેના માટે સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચેતવણી પણ તેમણે આપી છે.

Most Popular

To Top