નડિયાદ, તા.10
નડિયાદ ટાઉન પોલીસ મથકથી માત્ર 50 મીટરના અંતરે જુગારધામ ઝડપાયુ છે. શહેરના જાણીતા બિલ્ડર તારાચંદની તુલસી મોટેલમાં લાંબા સમયથી ચાલતા જુગારધામ પર ટાઉન પોલીસે સપાટો બોલાવ્યો છે. જેમાં 6 આરોપીઓ ઝડપાયા છે.
નડિયાદ રેલવે સ્ટેશનની સામે જ શહેરના જાણીતા બિલ્ડર તારાચંદનું તુલસી મોટેલ અને હોટલ આવેલી છે. આ મોટેલની રૂમમાં જુગારધામ ધમધમી રહ્યુ હતુ. આ તુલસી મોટેલથી નડિયાદ ટાઉન મથક 50 મીટરના અંતરે આવેલુ છે. આજે અચાનક આ જુગારધામ પર ટાઉન પોલીસે રેઈડ કરી છે. જ્યાં સ્થળ પરથી 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જો કે, ટાઉન પોલીસ મથકનો જુગારીઓને ડર ન હોય અને વહીવટદારોને કાયમી ધોરણે ભરણ મળતુ હોવાથી અત્યાર સુધી અહીંયા પોલીસની જ છત્રછાયામાં રેકેટ ચાલી રહ્યુ હોવાની ચર્ચાઓ ઉઠી છે. આ વચ્ચે એકાએક કોઈક કારણોસર ટાઉન મથકે કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. તો વળી, જાણીતા બિલ્ડર તારાચંદ દ્વારા પોતાની માલિકીની હોટલમાં આ જુગારધામ ચલાવાતુ હતુ, જેથી તેમની સામે પણ સવાલો ઉઠ્યા છે. આ લખાય છે ત્યારે પોલીસે આ મામલે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ હવે આ જુગારના રેકેટમાં પોલીસ ફરીયાદમાં કેટલો મુદ્દામાલ બતાવે છે અને કોને કોને આરોપી બતાવે છે, તેની પર સૌની નજર છે.
ઝડપાયેલા આરોપી અને મુદા માલ
નડિયાદ તુલસી હોટલમાંથી ઝડપાયેલા આરોપીઓમાં કૃણાલ કારીયા રહે. નારણપુરા અમદાવાદ, પિન્ટુ રાણા રહે. સલુણ બજાર, નડિયાદ, જીગ્નેશ શાહ રહે લખાવડ નડિયાદ, રાજેશ ત્રિવેદી, રહે. સુરેન્દ્રનગર, હિતેશ શાહ, રહે. લખાવાડ નડિયાદ, વિષ્ણુ રાણા , રહે. સલુણ બજાર નડિયાદને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે અને દાવ ઉપરથી 2800, અંગ જડતીમાંથી 22,250 અને મોબાઈલ નંગ છો જેની કુલ કિંમત 13,500 મળી કુલ 38,750 મુદ્દામાલ કબજે કર્યો છે.
