Vadodara

બિલ્ડરો-નેતાઓ-અધિકારીઓની ‘મિલીભગત’થી પાલિકાને કરોડોનું નુકસાન: વિશ્વામિત્રી બચાવો સમિતિનો વિસ્ફોટક આક્ષેપ

​ટીપી ઇન્ક્રીમેન્ટ ચાર્જીસ વસૂલ્યા વગર જ બાંધકામ પરવાનગીઓ અપાઈ; કમિશનરને લેખિત રજૂઆત કરી કડક વસૂલાતની માગ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખાલી થતી જતી તિજોરી પાછળ વહીવટી અણઆવડત નહીં, પરંતુ બિલ્ડરો અને સત્તાધીશોની મિલીભગત જવાબદાર હોવાના સ્ફોટક આક્ષેપો સાથે ‘વિશ્વામિત્રી બચાવો સમિતિ’ મેદાનમાં આવી છે. સમિતિએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી દાવો કર્યો છે કે, શહેરના વિકાસ માટે બિલ્ડરો પાસેથી હક્કથી વસૂલવા પાત્ર કરોડો રૂપિયાના ટીપી ઇન્ક્રીમેન્ટ કોન્ટ્રીબ્યુશન ચાર્જીસ વસૂલવામાં તંત્ર જાણીજોઈને આળસ કરી રહ્યું છે, જેના કારણે પાલિકાને ગ્રીન બોન્ડ અને બ્લ્યુ બોન્ડ જેવા દેવા કરવાની નોબત આવી છે.
સમિતિએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, જ્યારે કોઈ નવો વિસ્તાર ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ હેઠળ વિકાસ પામે છે, ત્યારે ત્યાં મોટા રસ્તા, ડ્રેનેજ લાઈન, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને બાગ-બગીચા જેવી પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે કાયદેસર રીતે ‘ટીપી ઇન્ક્રીમેન્ટ કોન્ટ્રીબ્યુશન ચાર્જ’ લેવામાં આવે છે. આ રકમ જમીનના માપ અને તેના ભાવ વધારાના મૂલ્યાંકન મુજબ કોર્પોરેશનના “મૂલ્યાંકન અને વહેચણી પત્રક (B ફોર્મ)”માં સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલી હોય છે. સરકારી સુવિધાઓ આવતા જ જમીનના ભાવ રાતોરાત દસ ગણા વધી જાય છે, જેનો આર્થિક લાભ બિલ્ડરો પૂરેપૂરો ઉઠાવે છે, પરંતુ તેમાંથી પાલિકાને મળવાપાત્ર હિસ્સો ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે.
સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, આ કરોડો રૂપિયાની વસૂલાત અટકાવવા માટે બાંધકામ પરવાનગી વિભાગ, ચોક્કસ બિલ્ડરો, ચૂંટાયેલા પદાધિકારીઓ અને કેટલાક ધારાસભ્યો વચ્ચે મજબૂત ‘સાઠગાંઠ’ ચાલી રહી છે. નિયમ મુજબ ઇન્ક્રીમેન્ટ ચાર્જ ભર્યા વગર બાંધકામની મંજૂરી કે પ્લિન્થ ચેકિંગ સર્ટિફિકેટ આપી શકાય નહીં, તેમ છતાં વડોદરામાં અનેક પ્રોજેક્ટ્સમાં ચાર્જ ચૂકવ્યા વગર જ તમામ પરવાનગીઓ આપી દેવામાં આવી છે.
સમિતિએ પુરાવા સાથે દાવો કર્યો છે કે, કેટલાક કિસ્સાઓમાં તો બિલ્ડરોએ કોર્પોરેશનના ચાર્જીસ ચૂકવ્યા વગર જ મકાનો વેચી દીધા છે. આ મકાનોમાં લોકો રહેવા પણ આવી ગયા છે, વીજળીના કનેક્શન મળી ગયા છે અને પાલિકા ત્યાંથી વેરો વસૂલવાનું પણ શરૂ કરી ચૂકી છે. આમ છતાં, મૂળ ઇન્ક્રીમેન્ટ ચાર્જીસની રકમ હજુ પણ બિલ્ડરોના નામે બાકી બોલે છે. કોર્પોરેશન આ બાકી રકમ વસૂલવાને બદલે 40 ટકા કપાતમાં મેળવેલી કિંમતી જમીનોને સસ્તા ભાવે હરાજી કરીને આર્થિક ખાધ પૂરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે નગરજનો સાથે અન્યાય છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિએ માગણી કરી છે કે, જે બિલ્ડરોના ચાર્જીસ બાકી છે તેમની સામે તાત્કાલિક કડક હાથે વસૂલાત કરવામાં આવે. જો આ બાકી નાણાં વસૂલવામાં આવે તો કોર્પોરેશનની તિજોરી છલકાઈ જશે અને શહેરના વિકાસ માટે દેવું કરવાની કે બોન્ડ બહાર પાડવાની જરૂર નહીં રહે. સમિતિએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ અંગે પારદર્શક તપાસ અને વસૂલાત નહીં થાય તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે.

Most Popular

To Top