અગાઉથી ચેતવણી છતાં બિલ્ડર દ્વારા તકેદારી લેવામાં ન આવી, ટાઉન પ્લાનિંગ વિભાગ અને બિલ્ડર પર જવાબદારી નક્કી કરવાની માગ
શહેરમાં બાંધકામના ધોરણો અને સુરક્ષાની અવગણનાના કારણે ભૂસખલનની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં છાણી જકાતનાકા કેનાલ નજીક બાંધકામ દરમિયાન મોટું ભૂસખલન થયું, જેને કારણે 40 થી વધુ પરિવારોને ઘરો ખાલી કરવા પડ્યા. ગત વર્ષે પણ ભાયલી કેનાલ પાસે આવી જ ઘટના બની હતી, જ્યાં અક્ષર પૂજનની સાઇટ પર બેઝમેન્ટ માટે ખોદકામ કરતી વખતે 5 માળની બિલ્ડિંગના પાર્કિંગનો 20 ફૂટનો સ્લેબ ધરાશાયી થયો હતો.
છાણી વિસ્તારમાં વસંતારા સ્કાય નામની નવી ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. ખોદકામ દરમિયાન દીવાલ અને માટી ધસી પડતાં સત્વ પ્રાઇમ ફ્લેટના જી અને ઇ ટાવરના રહેવાસીઓએ તુરંત ઘર ખાલી કરવું પડ્યું. ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા, પરંતુ સ્થાનિક રહીશોનો આરોપ છે કે બિલ્ડરને અગાઉથી ચેતવણી આપવામાં આવી હોવા છતાં પૂરતી તકેદારી લેવામાં આવી ન હતી.
ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓનો દાવો છે કે બિલ્ડરને પરવાનગી આપી દીધા પછી તેમની કોઈ સીધી જવાબદારી રહેતી નથી. પરવાનગી આપ્યા બાદ સમગ્ર જવાબદારી બિલ્ડરની રહે છે. તો પછી આવા કિસ્સામાં બિલ્ડર પર કાર્યવાહી કરવાની જવાબદારી કોની તેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે. કારણ કે પાલિકા દ્વાર એક નોટીસ આપી કાર્યવાહીનો ઢોંગ કરવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે. જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ ? જો ટાઉન પ્લાનિંગ વિભાગની પણ જવાબદારી બને છે કે ડિઝાઇન મુજબ કામ થાય છે કે કેમ.
પૂર્વ વિપક્ષ નેતા અમી રાવતની કડક કાર્યવાહીની માંગ
પૂર્વ વિપક્ષ નેતા અમી રાવતે આ મુદ્દે ટાઉન પ્લાનિંગ વિભાગ અને બિલ્ડર બંનેની જવાબદારી નક્કી કરવાની માગ ઉઠાવી છે. તેમનું માનવું છે કે ટાઉન પ્લાનિંગ વિભાગે બિલ્ડિંગ મંજુર કરેલી ડિઝાઇન મુજબ બની રહી છે કે નહીં તે ચકાસવું જોઈએ. જો તેમ ન થાય, તો બિલ્ડર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
છાણી પોલીસે પાલિકા પાસે ડોક્યુમેન્ટ્સ માંગ્યા
સમગ્ર મામલે છાણી પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે અને વડોદરા મહાનગર પાલિકા પાસે ઇમારતની પરમિશનથી લઈને ઇમારતને લગતા વિવિધ ડોક્યુમેન્ટ્સની માંગણી કરી છે. જો તપાસ દરમિયાન કોઈની બેદરકારી સામે આવશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
