સિયાબાગમાં ‘માનીતા’ કોન્ટ્રાક્ટરનું તંત્ર સાથે સેટિંગ? જૂની લાઇન સારી હોવા છતાં બદલી, પછી અધવચ્ચે કામ બંધ!


વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં આવેલા સિયાબાગ-કુંભારવાડા વિસ્તારના રહીશો છેલ્લા ચારથી પાંચ દિવસથી પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ વિસ્તારમાં આવેલી પાણીની જૂની લાઈન બદલીને નવી લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરી વિવાદમાં સપડાઈ છે. રહીશોનો સ્પષ્ટ આક્ષેપ છે કે પાણીની લાઈન બદલવાની કોઈ જરૂર ન હોવા છતાં, કોઈ ચોક્કસ વ્યક્તિને ફાયદો કરાવવા માટે આ બિનજરૂરી કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના પરિણામે હાલમાં તેઓ પાણી વગર હાલાકી ભોગવી રહ્યા છે.
સિયાબાગ-કુંભારવાડાના સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાણીની જૂની લાઈનમાં પૂરતા પ્રમાણમાં અને સારા પ્રેશરથી પાણી આવતું હતું. આ લાઈનમાં કોઈ ખામી ન હોવા છતાં, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણ કર્યા વગર એકાએક નવી પાણીની લાઈન નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
વિસ્તારના રહીશો આક્ષેપ કરી રહ્યા છે કે, “જૂની લાઈન સંપૂર્ણ કાર્યક્ષમ હતી, ત્યારે તેને બદલવાનો નિર્ણય શા માટે લેવાયો? સ્પષ્ટ છે કે પાલિકાના કેટલાક અધિકારીઓ અને કોઈ ચોક્કસ કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ બિનજરૂરી ખર્ચાળ કામગીરી હાથ ધરવામાં આવી છે.”
સૌથી ગંભીર બાબત એ છે કે નવી લાઈન નાખવાની કામગીરી લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં હતી, ફક્ત લાઈનને જોડવાની કામગીરી જ બાકી હતી. આટલું નજીવું કામ બાકી હોવા છતાં, પાલિકાના કથિત “માનીતા” કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ ચોક્કસ કારણોસર અધવચ્ચેથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે.
કોન્ટ્રાક્ટરે અચાનક કામ બંધ કરી દેતા છેલ્લા ચારથી પાંચ દિવસથી કુંભારવાડાના નાગરિકોને પીવાના પાણીથી વંચિત રહેવું પડ્યું છે. પાણીની આવી ગંભીર સમસ્યા સર્જાતા રહીશોમાં પાલિકા અને કોન્ટ્રાક્ટર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર મામલે વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર બાળુ સુર્વે મેદાને આવ્યા છે. તેમણે પાલિકાના સત્તાધીશો સમક્ષ કુંભારવાડાના રહીશોને પડતી તીવ્ર હાલાકી અંગે રજૂઆત કરી છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
કોર્પોરેટર સુર્વેએ જણાવ્યું હતું કે, “બિનજરૂરી રીતે કામ શરૂ કરીને હવે કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું છે. આ પ્રજાને પીવાના પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રાખવાનો ઘોર અપરાધ છે. પાલિકા તંત્રને સ્પષ્ટ માંગ છે કે વહેલી તકે આ અધૂરું કામ શરૂ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે પાણીનું કનેક્શન જોડીને રહીશોને પાણી પૂરું પાડવામાં આવે. કોન્ટ્રાક્ટર સામે બેદરકારી બદલ કડક પગલાં લેવાવા જોઈએ.”
રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 24 કલાકમાં પાણીની લાઈનનું કામ પૂરું નહીં થાય તો તેઓ ગાંધીનગર ગૃહ ખાતે પાલિકાનો ઘેરાવ કરવા સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરશે.