• ન્યૂ અલકાપુરીના વેપારી પાસેથી પ્રોસેસિંગ ફી અને વેરિફિકેશનના નામે રૂપિયા પડાવ્યા
• ₹14.48 લાખ વસૂલ્યા બાદ માત્ર ₹2.40 લાખ પરત, બાકીના ન આપતા પોલીસમાં ફરિયાદ
વડોદરા, તા.13
વડોદરા શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા એક વેપારી સાથે બિઝનેસ લોન અપાવવાના બહાને ખાનગી ફાઇનાન્સ કંપનીના સંચાલકો દ્વારા ₹12.08 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વેપારીએ વારંવાર માંગણી કરતા આરોપીઓએ માત્ર ₹2.40 લાખ પરત આપ્યા, જ્યારે બાકી રકમ ન આપતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માહિતી મુજબ સેવાસી રોડ ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા વેપારી યશુ ભગવાનદાસ જિંદાલ વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી પોતાની સાલાસર મેટલ્સ નામની કંપની મારફતે વેપાર કરે છે. નવેમ્બર 2024 દરમિયાન તેમને એક ફાઇનાન્સ કંપની તરફથી વનિતાબેન નામની મહિલાનો ફોન આવ્યો હતો અને બિઝનેસ માટે ₹6.25 કરોડ સુધીની લોન અપાવવાની ઓફર કરવામાં આવી હતી.
આ અંગે વધુ ચર્ચા કરવા તેઓ વડોદરા શહેરના જેતલપુર રોડ પર આવેલા ગ્લેસિયર કોમ્પ્લેક્સમાં આવેલી કંપનીની ઓફિસે ગયા હતા. ત્યાં કંપનીના સંચાલક અને કર્મચારીઓએ લોન પ્રક્રિયા, સ્થળ વેરિફિકેશન અને પ્રોસેસિંગ ફી સહિતના ખર્ચના બહાને અલગ અલગ તબક્કામાં રૂપિયા પડાવ્યા હતા.
વેપારીએ 5 ડિસેમ્બર 2024ના રોજ ₹5 લાખ અને 6 ડિસેમ્બર 2024ના રોજ ₹1.50 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ કંપનીના ડાયરેક્ટર તરીકે કામ કરતી ભાવના ગજાનંદ ભટ્ટના ખાતામાં 27 ડિસેમ્બરે ₹3 લાખ અને 28 ડિસેમ્બરે ₹50 હજાર એનઈએફટી દ્વારા મોકલવામાં આવ્યા હતા.
ઉપરાંત સ્થળ વેરિફિકેશનના બહાને કંપનીના કર્મચારી શ્રેયશ ઉર્ફે સાહિલ મીઠાને ₹2 લાખ તેમજ અન્ય ખર્ચના નામે ₹8 હજાર આપવામાં આવ્યા હતા. તેમજ કંપનીના મેનેજર જગદીશ ઉર્ફે જિગ્નેશભાઈ સોનીને ₹2.40 લાખ રોકડ ચૂકવવામાં આવ્યા હતા.
આ રીતે આરોપીઓએ વેપારી પાસેથી કુલ ₹14.48 લાખ પડાવ્યા હતા. જેમાંથી બાદમાં ₹2.40 લાખ પરત આપવામાં આવ્યા, જ્યારે બાકી રહેલા ₹12.08 લાખ આજદિન સુધી પરત આપવામાં આવ્યા નથી અને લોન પણ મંજૂર કરાવવામાં આવી નથી.
આ મામલે વેપારીએ ખાનગી ફાઇનાન્સ કંપનીના સંચાલકો તથા કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.