ગુજસીટોક કેસમાં પણ અરજી નામંજૂર; આરોપી સામે હત્યા, લૂંટ, ખંડણી સહિત 64 ગુનાઓ નોંધાયેલા છે

વડોદરા તા.18
વડોદરા શહેરમાં આતંક ફેલાવનાર બિચ્છુ ગેંગના મુખ્ય સુત્રધાર અસલમ ઉર્ફે બોડીયો હૈદરમીયા શેખને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનામાં તેની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.
વડોદરા શહેરના નવાપુરા મહેબુબપુરા વિસ્તારમાં રહેતો અસલમ ઉર્ફે બોડીયો પોતાના સાગરીતો સાથે મળીને “બિચ્છુ ગેંગ” બનાવી શહેરમાં સંગઠિત ગુનાઓ આચરતો હતો. આ ગેંગ દ્વારા જમીન-મકાન અને મિલકત બળજબરીથી પચાવી પાડવા, નાણાંકીય લેવડદેવડમાં હવાલા લઈને રૂપિયા પડાવવાની સાથે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટ, ધાડ, ખંડણી, છેતરપીંડી અને ધમકી જેવા ગંભીર ગુનાઓ આચરી શહેરમાં ભયનું વાતાવરણ ઉભું કરાયું હતું.
આ ગેંગ સામે વર્ષ 2021માં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યો હતો અને ગેંગના મુખ્ય સુત્રધાર અસલમ ઉર્ફે બોડીયાની ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં અસલમ બોડિયાને વડોદરા જેલમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ જેલમાં રહીને પણ તે ખંડણી અને ધમકી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. જેના કારણે તેને કચ્છના ભુજ જેલ અને ત્યારબાદ રાજકોટ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
આરોપીએ પહેલા વડોદરાની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટ અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં બે વખત જામીન માટે અરજી કરી હતી પરંતુ તેની ગંભીર ગુનાહિત ભૂતકાળ અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને બંને કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી.
ત્યારબાદ અસલમ ઉર્ફે બોડીયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી. એસીપી ડી.જે. ચાવડાએ સરકારી વકીલ સાથે સંકલન કરી કોર્ટ સમક્ષ મજબૂત દલીલો રજૂ કરી હતી. પોલીસના પુરાવા અને દલીલોના આધારે 18 માર્ચ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે અસલમ ઉર્ફે બોડીયા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ-ધાડ, ખંડણી, રાયોટિંગ, ઘરફોડ ચોરી, વિદેશી દારૂ, સરકારી કામમાં અડચણ, ધમકી અને જુગાર સહિતના કુલ 64 જેટલા ગુનાઓ શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેને 10 વખત પાસા હેઠળ જેલમાં પણ મોકલવામાં આવ્યો આવ્યો છે.