Vadodara

બાળુ શુક્લાની વિનમ્રતા કે મજબૂરી? જાહેરમાં ખાદીમના પગે કેમ પડ્યા?

હિન્દુત્વવાદી પાર્ટીના નેતા જાહેરમાં મુસ્લિમ ધર્મગુરુને પગે પડતાં કાર્યકરોમાં આશ્ચર્ય અને રોષ


વડોદરાના ધારાસભ્ય અને વિધાનસભામાં દંડક બાળુ શુક્લા શુક્રવારે પોતાનાથી અડધી ઉંમરના એક ખાદીમને જાહેરમાં પગે લાગતા શહેરમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાક લોકો આને ધારાસભ્યની વિનમ્રતા ગણાવી રહ્યા છે તો કટ્ટરવાદી કાર્યકરોનું માનવું છે કે કોઈ મોટી ઉંમરના અન્ય ધર્મના ધર્મગુરુ હોય તો માન આપવા ઝૂકે એ બરાબર છે, પણ એવી તે કઈ મજબૂરી હતી કે શુક્લાએ પોતાનાથી અડધી ઉંમરના ખાદીમને જાહેરમાં પગે પડવું પડ્યું. આ ઘટનાથી ભાજપના કેટલાક હિન્દુત્વવાદી નેતાઓ અને કાર્યકરોમાં રોષ પણ જોવા મળ્યો છે.

વડોદરાના સૌથી જુના અને જાણીતા જુની ગઢી મિત્ર મંડળ દ્વારા સ્થાપિત ગણેશજીની વિસર્જન યાત્રા શુક્રવારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ હતી. યાત્રા શરૂ થાય તે પહેલા જ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા અન્ય દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. જુનીગઢી ગણેશજીના વિસર્જનની યાત્રા પોલીસ માટે લીટમસ ટેસ્ટ સમાન ગણવામાં આવે છે. ભૂતકાળમાં જુની ગઢીના ગણેશજીની વિસર્જન યાત્રામાં અનિચ્છનિય ઘટના સામે આવી હતી. જો કે, છેલ્લા ઘણા સમયથી પોલીસના પ્રયાસોના કારણે તેનું પુનરાવર્તન થયું નથી. આ ગણેશજીની વિસર્જન યાત્રા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થઇને નવલખી મેદાન ખાતે આવેલા કૃત્રિમ તળાવ પહોંચી હતી અને ત્યાં ગણેશ ભક્તો અને મંડળ દ્વારા વિધિવત રીતે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.
જુની ગઢી વિસ્તારના ગણેશ વિસર્જન પહેલા અનેક પાર્ટી ના નેતાઓ અને ભક્તો ની આરતી માટે ઉમટી પડયા હતા. ત્યારે સંવેદનશીલ ગણાતા વિસ્તારમાંથી પસાર થાય એ અગાઉ મુસ્લિમ આગેવાનો અને મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદીમ ભોલું બાપુએ પણ ગણેશજી પ્રતિમાનું સ્વાગત કર્યું હતું. ત્યાં હાજર ભાજપના નેતાઓ સાથે પણ ખડીમે વાતો કરી હતી . વડોદરાનાં ધારાસભ્ય અને દંડક બાલકૃષ્ણ શુક્લા પણ ગણેશજીની આરતી માટે પહોંચ્યા હતા. બાલકૃષ્ણ શુક્લા આરતી કરી પરત ફરી રહયા હતા તે વખતે ખડિમે દંડક બાલકૃષ્ણ શુક્લા સાથે હાથ મિલાવ્યો હતો શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. તેજ સમયે બાલકૃષ્ણ શુક્લા અભિવાદન કરતા ખાદીમના પગે લાગ્યા હતા. આ જોઈ ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ વાત શહેરમાં ફેલાઈ ગઈ હતી અને આ વિડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.

હવે આને શુક્લાની વિનમ્રતા ગણવી કે મજબૂરી તે બાબતે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.

Most Popular

To Top