Vadodara

બાળમેળામાં ભોજનની થાળી મુકાવી દેતા શિક્ષકોના અપમાનથી વિવાદ

ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ તરફ બાળમેળો આગળ વધી રહ્યો હોવાની ચર્ચા

ભોજન જેવી સામાન્ય બાબતે શિક્ષકોનું અપમાન થાય તે અયોગ્ય : સુનિલ પરમાર

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સયાજી બાગ ખાતે આયોજિત બાળમેળાના પ્રારંભે વીઆઇપીના ભોજન સમયે થાળી લેતા અટકાવતા શિક્ષકોના થયેલા અપમાનને લઈ વિવાદ સર્જાયો છે. શિક્ષણ જેના થકી મળે છે. તેને બાકાત કરી વીઆઇપીઓની સાથે ભોજન આરોગનાર સમિતિના શાસકો સામે ફિટકારની લાગણી વરસી હતી.

સયાજીબાગમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 53 મો બાળમેળો સયાજી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ બાળમેળો બાળકો દ્વારા બાળકો માટે અને બાળકો થકી યોજવામાં આવતો હોવાનો દાવો સમિતિના શાસકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેની સામે શિક્ષકોમાં ચર્ચા છે કે, આ બાળમેળો ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ તરફ આગળ વધી રહ્યો છે. આનંદ બજારને કોન્ટ્રાક્ટરૂપે આ માત્ર કોમર્સનું જ્ઞાન મળે તે રીતનું આયોજન આ વર્ષે બાળમેળામાં કરવામાં આવ્યું છે. એવામાં બાળમેળો શિક્ષકોના અપમાનને લઈને હવે વિવાદમાં આવ્યો છે. આ અંગે શિક્ષકોના આગેવાનોએ શિક્ષકોને મન દુઃખ થયું હોવાનું જણાવ્યું છે. આગેવાન સુનિલ પરમારે જણાવ્યું હતું કે, શિક્ષકોનું અપમાન થયું એ અયોગ્ય છે. તત્કાલીન અધ્યક્ષ અને હાલના સાંસદ હેમાંગ જોશી પોતે સમિતિમાં હતા. ત્યારે સાથે બેસાડીને ભોજન કરાવતા હતા. આજે ભોજન લેવા જેવી નાની બાબતોમાં શિક્ષકોનું અપમાન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. કન્વીનર સહ કન્વીનર દિવસ રાત મહેનત કરતો હોય એને ખાવા જેવી બાબતની અંદર આવું થાય તો સ્વાભાવિક રીતે મન દુઃખ થાય, ફરિયાદ આવી એટલે આ બાબતનું અમને પણ દુઃખ છે.

શિક્ષકોનું અપમાન થયું હું આ વાતને સુર પુરાવીશ :

જમવાની થાળી મુકાવી દીધી એટલે શિક્ષકોમાં મનદુઃખ છે. દર વર્ષે આપણે કન્વીનર સહ કન્વીનર અને કમિટીના તમામ સભ્યો એક જ જગ્યાએ જમતા હોઈએ છીએ. પરંતુ, કોઈક જગ્યાએ આ વખતે વીઆઈપીની વાત હતી. એ રીતે કરીને જે વ્યવસ્થા કરનાર છે. એ વ્યક્તિએ ડિશ મુકાવી દીધી, એટલે અમારા શિક્ષકોની સાથે સાથે જે અમારા કમિટીના મેમ્બર છે, તેમને પણ કોઈક જગ્યાએ માનહાની થઈ હોય એવું લાગ્યું. ફરિયાદ મળી હતી એટલે મેં કીધું કે આપણે આપણા અધિકારી ચેરમેનને વાત કરીશું અને આ બાબતે જાણ કરીશું, પણ હજી સુધી અમને ચેરમેનને મળ્યા નથી. પરંતુ મારા અન્ય મિત્રો છે, તેમણે વિપુલભાઈને આ બાબતે ચર્ચા વિચારણા કરી છે અને તેઓ પોતે આ બાબતે શું નિર્ણય લે છે તે હવે જોવાનું રહ્યું. મારા શિક્ષકોને એવું લાગ્યું કે આ એક અપમાન થયું છે અને હું આ વાતને સુર પુરાવીશ. : પીનાકીન પટેલ,પ્રમુખ શિક્ષક સંઘ

Most Popular

To Top