Dahod

બાળકોને લાવવા લઈ જવા માટે વાહનના માલિક પાસેથી રૂા.૧૪ હજારની લાંચ લેતાં આચાર્ય ઝડપાયો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યની કરતૂત

દાહોદ:

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપોદરા ગામે આવેલી પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને લાવવા લઈ જવા માટે વાહનના માલિક પાસેથી લાંચના રૂા.૧૪ હજારની લાંચ લેતાં આચાર્ય દાહોદ એસીબી પોલીસના હાથે તેની જ ઓફિસમાં રંગેહાથ ઝડપાઈ જતાં સમગ્ર શાળા સંકુલ તથા દાહોદ જિલ્લા શિક્ષણ આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે.

ધાનપુરના પીપોદરા ગામે પીપોદરા મુખ્ય મુખ્ય પ્રાથમિક શાળામાં શાળાના બાળકોને લાવવા મુકવા માટે ભાડે વાહન મુકવામાં આવ્યું હતું. વાહનના માલિકનું ભાડુ રૂ. ૨૮૫૯૦ તારીખ ૩૦.૦૩.૨૦૨૫ના રોજ વાહનના માલિકના બેન્ક ખાતામાં જમા થયું હતું. આ નાણાં પૈકી રૂ. ૧૪૦૦૦ની શાળાનો આચાર્ય ગોપાલભાઈ વસ્તાભાઈ ચમાર (રહે. ૧૩ નંદ નગર સોસાયટી દોસી પેટ્રોલપંપ પાછળ મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લી) અવાર નવાર વાહનના માલિક પાસેથી માંગણી કરતો હતો . આ ૧૪૦૦૦ની લાંચની રકમ વાહનના માલિક આપવા માંગતા ન હોવાને કારણે તેમણે એસીબી પોલીસનો સંપર્ક કરી આ મામલે જાણકારી આપી હતી.

આજરોજ દાહોદ એસીબી પોલીસ મથકના ટ્રેપીંગ અધિકારી કે.વી.ડીંડોર તથા તેમની ટીમે પીપોદરા મુખ્ય શાળામાં લાંચનું છટકુ ગોઠવ્યું હતું. આચાર્ય ગોપાલભાઈ ચમાર પોતાની જ ઓફિસમાં વાહનના માલિક પાસેથી રૂા.૧૪૦૦૦ની લાંચની રકમ લેતાં રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર શાળા સંકુલના શિક્ષક આલમ તેમજ કર્મચારીઓમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. તેની સાથે સાથે દાહોદ જિલ્લા શિક્ષણ વિભાગમાં પણ આ ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે દાહોદ એસીબી પોલીસે લાંચ લેતાં ઝડપાયેલા આચાર્ય ગોપાલભાઈ ચમાર વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————————————–

Most Popular

To Top