મહુધા ચોકડી પાસેથી LCBએ પીછો કરેલ કન્ટેનર ટ્રકમાંથી રૂપિયા 11.71 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના મણસોએ પુર અસરગ્રસ્ત તાલુકામાંથી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મહુધા ચોકડી પાસેથી પોલીસે હરિયાણા રાજ્યની પાર્સિગ ધરાવતી કન્ટેનર ટ્રક રોકી રૂપિયા 11.71 લાખનો વિદેશી દારૂ પકડ્યો છે. આ વિદેશી દારૂનો જથ્થો બાળકોના રમવાના સાધનો અને અભ્યાસ કરવાના સ્ટડી ટેબલોની આડમાં સંતાડીને લઈ જવાતો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો સાથે ગુનામાં વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા 49 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ બનાવમાં કન્ટેનર ટ્રક ચાલકને ઝડપી લેવાયો છે તો ક્લીનર બનાવ સ્થળેથી ફરાર થયો છે.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના માણસો ગતરાત્રે મહુધા તાલુકામાં પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન બાતમીદારોથી બાતમી મળી હતી કે, હરિયાણા રાજ્યની પાર્સિગ ધરાવતી બંધ બોડીની કન્ટેનર ટ્રક મહુધા ચોકડીએથી પસાર થનાર છે. જેથી પોલીસે અહીંયા વોચ ગોઠવી હતી. આ દરમિયાન વર્ણનવાળી કન્ટેનર ટ્રક આવતા હાજર પોલીસના માણસોએ અટકાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે કટ મારી નડિયાદ તરફ વાહન દોડાવ્યું હતું. પોલીસે આ વાહનનો પીછો કરી થોડે દુરથી અટકાવ્યું હતું. પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં ખાલી સાઈડથી ટ્રકનો ક્લીનર વાહનમાંથી ઉતરી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રક ચાલકનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ ઝહીરખાન રહમતખાન મુનીરખાન મેવ (રહે.હરીયાણા) હોવાનું જણાવ્યું હતું. વધુમાં પોલીસે બંધ બોડીના કન્ટેનરમાં તપાસ આદરતા અંદરથી બાળકોના રમવાના સાધનો અને અભ્યાસ કરવાના સ્ટડી ટેબલો મળી આવ્યા હતા અને તેના વચ્ચે છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે યોગ્ય જાપ્તા સાથે ડભાણ ટ્રાફિક ચોકીએ લાવી ગણતરી કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 8640 કિંમત રૂપિયા 11 લાખ 71 હજાર 200 તેમજ બાળકોના રમવાના સાધનો અને અભ્યાસ કરવાના સ્ટડી ટેબલો કુલ બોક્ષ નંગ 735 કિંમત રૂપિયા 12 લાખ 77 હજાર અને બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 49 લાખ 58 હજાર 201નો મુદ્દામાલ કબજે કર્યો છે. ફરાર થયેલા ઈસમનુ નામ આ ઝહીરખાનને પુછતા તેણે તેનુ નામ સકીલ લહરખાન મેવ (રહે.હરીયાણા) અને તે ટ્રકનો ક્લીનર હોવાનું જણાવ્યું હતું. આમ પોલીસે બે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકોને રમવાના ગેમ્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત..
By
Posted on