મહુધાના બે યુવાન ન્હાવા ગયા હતા, શોધખોળ માટે એનડીઆરએફની મદદ લેવામાં આવી
(પ્રતિનિધિ) બાલાસિનોર તા.1
બાલાસિનોર પાસે વણાકબોરી ડેમમાં બે યુવક ડૂબ્યા હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસે તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડે સુધી કોઇ પત્તો ન લાગતા આખરે એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં આ બન્ને યુવક મહુધાના હોવાનું ખુલ્યું છે.
બાલાસિનોરના વણાકબોરી ડેમમાં મંગળવારના રોજ બપોરના સુમારે ન્હાવા પડેલા બે યુવક ડૂબી ગયાં હતાં. આ અંગે ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને તરવૈયાની મદદથી બન્ને યુવકની શોધખોળ હાથ ધરી હતી. જોકે, મોડે સુધી કોઇ પત્તો લાગ્યો નહતો. આથી, વધુ શોધખોળ માટે એનડીઆરએફને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ખાસ સાધનોથી સજજ એનડીઆરએફની ટીમ પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. બાલાસિનોર પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને યુવક મહુધાના વતની છે. જેમાં મહંમદહસન (ઉ.વ.27) અને સલમાન મલેક (ઉ.વ.35) હોવાનું જાણવા મળ્યુ છે. હાલ સમગ્ર મામલે એનડીઆરએફ ટીમ શોધખોળ હાથ ધરી છે.
