બાલાસિનોરમાં કૂખ્યાત બુટલેગરને ત્યાં સ્ટેટ મોનિટરીંગ સેલ ત્રાટકી
સ્ટેટ મોનિટરીંગ સેલે સાત શખ્સ સામે ગુનો નોંધી ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
(પ્રતિનિધિ) બાલાસિનોર તા.20
બાલાસિનોરના રામનગર ખાતે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ સાત શખ્સ સામે ગુનો નોંધી ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બાલાસિનોરના ભોઇવાડામાં રહેતા રાજેશ ઉર્ફે બોડો મંગળ મહેરા (ભોઇ) તેના મળતિયા માણસો રાખી રામનગર સંજય મહેરા (ભોઇ)ના રહેણાંક મકાનની પાછળ ખુલ્લામાં વિદેશી દારૂ રાખી જાહેરમાં વેચાણ કરી રહ્યો હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી. આથી, એસએમસીએ ટીમ બનાવી 19મીની મોડી સાંજે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પતરાવાળા મકાનની પાછળના ભાગે કેસરી રંગની તાડપત્રી બાંધી તેના નીચે એક શખ્સ ઉભો હતો. આથી, પોલીસે તેને પકડી તેમની પુછપરછ કરતાં તે વિષ્ણુ રમેશ વાઘેલા (ઉ.વ.29, રહે. રામનગર, બાલાસિનોર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી સફેદ રંગનો કાપડનો થેલો કબજે કર્યો હતો. જેમાં તપાસ કરતાં વિદેશી દારૂની મોટલ મળી આવી હતી. આ ઉપરાંત સ્થળ પર એક્ટિવા મળી આવ્યું હતુ. જેની માલીકીની પુછપરછ કરતાં તે રાજેશ ઉર્ફે બોડો ઉપયોગ કરતો હતો. આ અંગે બાલાસિનોર પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. તેઓએ સંજય રણછોડ મહેરા (ભોઇ) મકાનની ઝડતી લીધી હતી.
આ ઉપરાંત વિષ્ણુ રમેશ વાઘેલાને બીજો વિદેશી દારૂનો જથ્થો ક્યાં રાખેલો છે ? તે બાબતે પુછતાં તેણે બહાર પડેલી કારમાં પડ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડનો દારૂ અને બિયર મળી આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક મકાનમાંથી પણ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દરોડામાં પોલીસે કુલ રૂ.84 હજારનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જ્યારે પકડાયેલા વિષ્ણુ વાઘેલા પાસેથી રોકડા રૂ.12,770, મોબાઇલ કબજે કરવામાં આવ્યો હતો. જેની આગવી ઢબે પુછપરછ કરતાં આ દારૂનો ધંધો રાજેશ ઉર્ફે બોડો મંગળ મહેરા (ભોઇ) (રહે.બાલાસિનોર)નો છે. તે પંદર દિવસથી દારૂનું વેચાણ કરે છે. જ્યારે ધંધા પર સંજય રણછોડ મહેરા (ભોઇ) પણ દારૂનુ છુટક વેચાણ કરવા આવે છે. અજય રમણ મહેરા (ભોઇ) જે રાજેશ ઉર્ફે બોડાનો સાળો થાય છે. દારૂનો સ્ટોક પુરો થાય એટલે અજય મહેરાને કોલ કરતાં તે એક્ટિવા પર જથ્થો વેચવા માટે આપી જાય છે. રાજેશ ઉર્ફે બોડો રોજના પગાર લેખે રૂ.500 આપે છે. આ દારૂનો ધંધો સવારે 11 વાગે શરૂ કરી રાત્રિના 10 વાગ્યા સુધી ચાલે છે. આ કબુલાત આધારે પોલીસે વિષ્ણુ રમેશ વાઘેલા, રાજેશ ઉર્ફે બોડો મંગળ મહેરા, અજય રમણ મહેરા, સંજય રણછોડ મહેરા, જયદીપ રાયમલ ચૌહાણ અને એક્ટિવા નં.જીજે 35 કે 8534નો માલીક અને દારૂનો જથ્થો પુરો પાડનાર શખ્સ સામે ગુનો નોંધી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.