વડોદરાના 8 બૂથ અને 4700 મતદારોની વ્યવસ્થા સામે માત્ર ₹7300 ફાળવાતા ચૂંટણી કમિશનર લાલઘૂમ
વડોદરામાં આગામી 6 માર્ચના રોજ યોજાનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી પહેલા મોટો વિવાદ ઊભો થયો છે. અપૂરતા ફંડના કારણે ચૂંટણીની કામગીરી અને વ્યવસ્થાઓ કરવા સામે પ્રશ્નાર્થ ચિન્હ મુકાયું છે. દિવાળીપુરા સ્થિત એડવોકેટ હાઉસ ખાતે વડોદરા બાર એસોસિએશન દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ચૂંટણીના ખર્ચ અને સમય મર્યાદાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ચૂંટણી કમિશનર રોહિત શાહ અને તેમની ટીમે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ચૂંટણી સામગ્રીની સાથે ખર્ચ પેટે માત્ર 7300 રૂપિયાનું કવર મોકલવામાં આવ્યું છે. વડોદરામાં અંદાજિત 4700 થી 5000 જેટલા મતદારો (વકીલો) છે. આટલી મોટી સંખ્યામાં મતદારો માટે વ્યવસ્થા કરવી, 8 જેટલા બૂથ બનાવવા અને સ્ટાફની ફાળવણી કરવી આ રકમમાં અશક્ય છે.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પોલિંગ સ્ટાફ, પોલીસ કર્મચારીઓ અને વ્યવસ્થામાં રોકાયેલા અંદાજે 50 થી વધુ વ્યક્તિઓના ચા-નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવાની હોય છે. આ ઉપરાંત ટેબલ-ખુરશી અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓનો ખર્ચ જોતા 7300 રૂપિયાની રકમ ખૂબ જ ઓછી છે. ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આટલી રકમમાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવી શક્ય નથી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં પણ વિવાદના સૂર ઉઠ્યા છે.
ચૂંટણીના સમયને લઈને પણ વકીલોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વડોદરા જેવા મોટા સેન્ટરોમાં સમય વધુ ફાળવાયો છે, પરંતુ સાવલી, પાદરા, ડભોઈ અને કરજણ જેવા તાલુકા મથકોએ મતદાન માટે માત્ર 12 થી 2 વાગ્યા સુધીનો સમય આપ્યો હોવાનું જણાવાયું છે. વકીલ મંડળની માંગ છે કે કોર્ટના કામકાજના સમય મુજબ સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો સમય રાખવો જોઈએ જેથી વધુમાં વધુ વકીલો મતદાન કરી શકે.
વડોદરા બાર એસોસિએશને હાલ પૂરતી ચૂંટણી સામગ્રી સ્વીકારવાનો ઇનકાર કરી પરત કરી છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને પત્ર લખીને જાણ કરી છે. જો યોગ્ય આર્થિક સહયોગ અને વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે તો 6 માર્ચની ચૂંટણી યોજવા સામે મુશ્કેલી ઊભી થઈ શકે છે.