Vadodara

બાજવા-છાણી ગરનાળા નીચે ફરી ભારદારી વાહન ફસાયું : બે દિવસમાં બીજી ઘટનાથી લોકોને હાલાકી

( પ્રતિનિધિ )વડોદરા,તા.19

વડોદરા શહેરના બાજવા છાણી ગરનાળા નીચે ફરી એક વાર ભારદારી વાહન ફસાઈ ગયું હતું. બે દિવસ પહેલા જ આ ગરનાળા પાસે એક ભારદારી વાહન પસાર થતાં એંગલ તોડી નાખી હતી. ત્યારે, અવારનવાર આવા મોટા વાહનો દ્વારા થતાં નુકસાન સામે જાણે તંત્ર ભર નિંદ્રા માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.


વડોદરા શહેર નજીક બાજવા છાણી ગરનાળા નીચે ફરી મોટું વાહન ફસાયું હતું. જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનને ભારે જહેમતે બહાર કાઢવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા પણ એક ભારદારી ડમ્પર દ્વારા રેલવે ગરનાળા પાસેની એન્ગલ તોડી નાખવામાં આવી હતી, જે બાદ ફરી એક વાર આવી જ ઘટનાનું પુનરાવર્તન થયું છે. અહીં બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી છે.

બ્રિજ પાસ પણ થઈ ગયો હોવા છતાં હજુ સુધી આ મામલે કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. બાજવા-છાણી માર્ગની પહોળાઈ વધારી 24 મીટર કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. દરરોજ આસપાસની કંપનીઓમાંથી કેમિકલ સહિતના પ્રવાહી અને મટીરીયલ ભરી નીકળતા ભારદારી વાહનો બેફામ બની રહ્યા છે. રોડની પણ હાલત બિસમાર બની છે. અગાઉ પણ સ્થાનિક લોકો અને જાગૃત આગેવાનો દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કલેક્ટર સહિત સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે લોકો મુશ્કેલીમાં મૂકાયા છે.

Most Popular

To Top