Vadodara

બાજવામાં ત્રણ માસ પહેલાં જ ખુલ્લા મૂકાયેલ બ્રિજ પર ગાબડા મુદ્દે ભારે હોબાળો

વડોદરા નજીક બાજવામાં રેલવે ઓવરબ્રિજ પર મોટું ગાબડું પડયુ હોવા મુદ્દે આજે ભારે હોબાળો મચ્યો હતો. પરંતુ તંત્ર દ્વારા જ બ્રિજ પર લેવલિંગ કરવા માટે ગાબડું પાડવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે બાજવા ખાતે રેલવે ઓવરબ્રિજ પર શહેર માર્ગ અને મકાન વિભાગ દ્વારા આશરે રૃા.૨૫ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો છે.
આ બ્રિજનું કામ ખૂબ મંદ ગતિથી ચાલતું હોવાથી તે વિવાદમાં રહેતું હતું અને માંડ માંડ કામ પૂર્ણ થતાં તાજેતરમાં ત્રણ માસ પહેલાં જ બ્રિજને વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.આ બ્રિજ પર મોટું ગાબડું પડી ગયું હોવા મુદ્દે આજે ભારે હોબાળો મચ્યો હતો અને કેટલાંક લોકોએ સ્થળ પર પહોંચી જઇને તંત્ર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કર્યા હતાં. આ અંગે શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સાહસ પટેલે જણાવ્યું હતું કે બ્રિજ પર ગાબડું પડયું નથી પરંતુ બ્રિજ પર લેવલ ડિફરન્સના કારણે અમે જ તોડીને કોન્ક્રિંટનો ઉપયોગ કરીને લેવલિંગ કરતાં હતાં. લેવલ ડિફરન્સના કારણે વાહનોને જર્ક લાગતો હોવાથી આ કામગીરી કરવાની અમને ફરજ પડી હતી.

Most Popular

To Top