મકાનો દુકાનોમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીનો સામનો કરવા મજબુર
લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર, લોકોની વહેલી તકે નિરાકરણ લાવવા માંગ


( પ્રતિનિધી )વડોદરા,તા.7
ઉપરવાસમાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે શહેરમાં નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે. તેમાં ખાસ કરીને બાજવા ઉંડેરા કારચિયા સહિતના ગામોમાં માનવસર્જિત પુર પ્રકોપના કારણે મકાનો અને દુકાનોમાં પાણી પ્રવેશતા લોકો વિકટ પરિસ્થિતિમાં મૂકાયા છે. ત્યારે,અત્યાર સુધી વિસ્તારના કોઈ નેતાએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લેવાની પણ તસ્દી લીધી નહીં હોવાના આક્ષેપ સાથે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.


હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે શહેર અને જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી,તળાવ, ડેમો છલકાયા છે. જેથી નદી કાંઠાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. વહીવટી તંત્ર દ્વારા પણ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને સહી સલામત રીતે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં બાજવા,કરચિયા અને ઉંડેરાના ગ્રામજનોની કફોડી હાલત થઈ છે. અહીં કુદરતી નહીં પણ માનવસર્જિત પૂરના પાણી ફરી વળ્યા છે આસપાસની કંપનીઓ દ્વારા કેનાલો મારફતે ગેરકાયદેસર જોડાણો કરીને પાણી છોડવામાં આવતા દર વર્ષે તળાવો ભરાઈ જવાના કારણે ગામોમાં વરસાદી પાણી પ્રવેશી જાય છે. ત્યારે આ વખતે પણ છેલ્લા બે દિવસથી બાજવા સહિતના વિવિધ ગામોમાં લોકોના ઘરોમાં દુકાનોમાં પાણી પ્રવેશી ગયા છે. છેલ્લા બે દિવસથી લોકોના ધંધા રોજગાર ઠપ થયા છે. લોકો માલસામાનને ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. બાજવાના સ્થાનિકે જણાવ્યું હતું કે, બાજવાનું નિરાકરણ ક્યારે આવશે એ કશું દેખાતું નથી. ગયા વર્ષે પણ નુકસાન થયું અને આ વર્ષે પણ આટલું નુકસાન દેખાઈ રહ્યું છે. પાણીનો નિકાલ ક્યારે આવશે ? કશી ખબર પડતી નથી. સરકારને વિનંતી છે કે આ પાણીનો કંઈ નિકાલ કરો. નેતાઓ પણ આવીને જતા રહે છે. પાણી આજે પણ એટલુંને એટલું છે બે દિવસથી ઘણી હાલાકી ભોગવી રહ્યા છે. ઘરમાં પણ પાણી દુકાનમાં પણ પાણી બધે જ પાણી પાણી છે, તો અમારે રહેવું ક્યાં? પરિસ્થિતિ એટલી ખરાબ છે કે હવે ગમે તે રીતે કરીને આ પાણીનો નિકાલ કરી આપો. નોંધનીય છે કે, સામાન્ય વરસાદમાં પણ અહીં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે. 24 કલાક ઉપરાંતનો સમય વીતી ગયો છતાં પાણી સેજ પણ ઓસર્યા નથી. પરિસ્થિતિ તેની તે જ જોવા મળી છે. જેના કારણે લોકો હવે ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.