બાજપાઈ નગર 1માં ઉભરાતી ગટરના પ્રશ્ને પોસ્ટર લગાવી અનોખો વિરોધ :
પાંચ વર્ષથી ઉભરાતી ગટરના કારણે લોકો નર્કાગારભર્યું જીવન ગુજારવા મજબૂર :
( પ્રતિનિધી )વડોદરા,તા.9
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સેવાસીના બાજપાઈ નગર 1માં ઉભરાતી ગટરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રજૂઆત બાદ પણ તહેવાર ટાણે સમસ્યાનું નિરાકરણ નહીં આવતા સ્થાનિક લોકોએ બાજપાઈ નગર 1 ની બહેનોને રક્ષાબંધન નિમિતે અમૂલ્ય ભેટ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન નરેન્દ્ર મોદી પોસ્ટરમાં લખી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો.
સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગર પાલિકામાં એસી કેબિનમાં બેસતા શાસકો અને અધિકારીઓના પાપે શહેરના કેટલાય વિસ્તારોમાં આજેbપણ લોકો પ્રાથમિક સુવિધાના અભાવે હાલાકી વેઠવા મજબુર બન્યા છે. સ્થાનિક કોર્પોરેટર, વોર્ડ કચેરીથી માંડી પાલિકાની વડી કચેરી ખાતે પણ મોરચા માંડી રજૂઆત કરવામાં જે તે વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ, સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવતા લોકોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. ત્યારે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં સેવાસી ખાતે પીએમ આવાસ યોજનાના બાજપાઈ નગર 1 માં પણ લોકો છેલ્લા પાંચ વર્ષથી નર્કાગારમાં જીવી રહ્યા છે. ઉભરાતી ગટરના કારણે પસાર થવાના મુખ્ય રસ્તે દૂષિત પાણી ફરી વળ્યાં છે. અનેકો વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. નાના મોટા વૃદ્ધ લોકો તમામને દૂષિત પાણીમાંથી અવર જવર કરવાની અને પોતાના વાહનો પણ દૂષિત પાણીમાંથીજ લઈ જવાની ફરજ પડી છે. ગટરના દૂષિત પાણીને કારણે વાતાવરણ પણ દુષિતમય બન્યું છે. મચ્છરોનો ઉપદ્રવ પણ વધવા માંડ્યો છે. ત્યારે સમસ્યાનું નિરાકરણ આજદિન સુધી કરવામાં નહીં આવતા રક્ષાબંધનના તહેવાર ટાણે સ્થાનિક લોકોએ વિવિધ ફોટા અને લખાણ સાથેનું પોસ્ટર લગાવ્યું હતું. જેમાં બાજપાઈ નગર 1ની બહેનોને રક્ષાબંધન નિમિતે અમૂલ્ય ભેટ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન નરેન્દ્રભાઈ લખીને પોતાનો આક્રોશ વ્યક્ત કરી ભર નિંદ્રા માણી રહેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.