Vadodara

બાઇક આડે ગાય આવી જતાં બાઇક સ્લીપ થતાં યુવક ઇજાગ્રસ્ત

તરસાલી વિસ્તારમાં રખડતાં પશુઓને કારણે અનેકવાર લોકો ઇજાગ્રસ્ત થવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાય છે

દબાણો તોડતુ પાલિકા તંત્ર રખડતાં પશુઓ મુદ્દે મૂક પ્રેક્ષક બની જાય છે

(પ્રતિનિધિ) વડોદરા તા.17

શહેરના તરસાલી વિસ્તારમાં યુવકની બાઇક આડે અચાનક ગાય આવી જતાં બાઇક પરથી પટકાયેલો યુવક ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યો હતો દર્દી હાલ સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.

એક તરફ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ગરીબો,લારીધારકો તથા પથારાવાળાઓના દબાણો દૂર કરવાની બહાદૂરી બતાવી રહ્યું છે.પરંતુ બીજી તરફ શહેરમાં રોડ ટેક્ષ્ટ ભરતા વાહનચાલકોને રખડતાં પશુઓથી મુક્ત કરવા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું નથી. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને રખડતાં પશુઓના અંકુશ માટે ફટકાર લગાવી હતી તથા કેટલ પોલીસીનો અમલ કરવા સૂચનાઓ આપી હતી જેના પગલે વડોદરા મહાનગરપાલિકાએ અન્ય મહાનગરોની દેખાદેખી થોડો સમય રખડતાં પશુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ પશુપાલકો ને દંડની કાર્યવાહી કરી હતી પરંતુ કેટલીક જગ્યાએ પશુપાલકો દ્વારા પાલિકાના ઢોર શાખાના અધિકારીઓ, કર્મીઓ સાથે મારામારી કરી પોતાના પકડેલા પશુઓને છોડાવી જવાના બનાવો બન્યા હતા ત્યારબાદ પાલિકા તંત્ર આ બાબતે આંખ આડા કાન કરતું થયું છે જેનો ભોગ શહેરના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે.શહેરના તરસાલી,સમા, હરણી એરપોર્ટ રોડ, વાઘોડિયારોડ છાણી જકાતનાકા, ગોરવા જેવા વિસ્તારોમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે તેમાય ખાસ કરીને તરસાલી વિસ્તારમાં તો રોડ પર રખડતાં પશુઓનો રીતસરનો આતંક જોવા મળી રહ્યો છે અહીં અવારનવાર રોડ પર દોડતા પશુઓથી વાહનદારીઓ, રાહદારીઓ ભોગ બની રહ્યા છે અહીં પશુપાલકોની દાદાગીરી પણ વધી છે પરંતુ પાલિકા તંત્ર આ વિસ્તારમાં રખડતાં પશુઓ સામે કાર્યવાહી કરતાં જાણે ડરતું હોય તેમ જણાય છે.ત્યારે ગત તા.16મી ડિસેમ્બરના રોજ તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા ચિરાગભાઈ ધનજીભાઇ વણકર નામનો 25વર્ષીય યુવક રાત્રે પોણા દશની આસપાસ શાંતિકુંજ બંગલો તરસાલી પાસેથી પોતાની મોટરસાયકલ પર રોડ પરથી પસાર થ ઇ રહ્યો હતો તે દરમિયાન અચાનક એક ગાય દોડતી બાઇક સામે આવી જતાં બાઇક ચાલક ચિરાગભાઈ ને ડાબી આંખ ઉપર તથા દાઢીના ભાગે અને જમણા કપાળમાં ઇજાઓ પહોંચી હતી જેથી આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત યુવકને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાં સારવાર હેઠળ યુવક ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે સવાલ એ થાય છે કે શું પાલિકા તંત્ર કોઇનો રખડતાં પશુઓથી જીવ જશે ત્યારે જાગૃત થશે? શહેરીજનો નવું વાહન ખરીદે છે ત્યારે જ રોડ ટેક્ષ્ટ ઉઘરાવતુ તંત્ર વાહન ચાલકોને સારાં રોડ રસ્તાઓ, રખડતાં પશુઓથી મુક્ત રસ્તાઓ શા માટે આપી શકતું નથી? રાજ્ય સરકારના કેટલ પોલીસીનો અમલ કરવામાં કેમ આંખ આડા કાન કરી રહ્યું છે?શા માટે ગેરકાયદેસર રીતે રખડતાં મૂકનાર પશુપાલકોથી ડરે છે? શહેરની જનતાને રખડતાં ઢોર મુક્ત રોડ ક્યારે મળશે? તેવા અનેક સવાલો શહેરીજનો કરી રહ્યા છે.

Most Popular

To Top