દાહોદ તા.17
દાહોદ જિલ્લામાં મનરેગા યોજના મહા કૌંભાંડે દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચાવી મુક્યો છે ત્યારે આ મહાકૌંભાંડમાં દાહોદના મંત્રીના બે પુત્રોની પણ સંડોવણી હોવાની છડેચોક ચર્ચાઓની વચ્ચે દાહોદ પોલીસે મંત્રીના બે પુત્રૌ પૈકી એક પુત્રની તથા દર્શન પટેલની દાહોદ પોલીસે અટકાયત કરી હોવાની ભારેખમ ચર્ચાઓની વચ્ચે દાહોદ જિલ્લાના રાજકારણમાં પણ અંદરો અંદર ભારે ગરમાવો જાેવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીઆ તાલુકામાં મનરેગા યોજનામાં ૭૦ કરોડનું મહાકૌંભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુદ દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દ્વારા દાહોદ પોલીસ મથકે થોડા દિવસો પહેલા મનરેગા યોજનામાં કાર્યરત એજન્સીઓના માલિકો સામે નામ જાેગ ફરિયાદ નોંધાંવતાં દાહોદ જિલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યામાં આ મહા કૌંભાંડને પગલે ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. આ ફરીયાદ અગાઉ વિપક્ષના નેતા અમીત ચાવડા દ્વારા વિધાનસભામાં પણ ધારદાર રજુઆતો કરવામાં આવી હતી અને આ મનરેગા મહાકૌંભાંડના પુરાવાઓની સાથે ગુજરાતના મુખ્ય મંત્રીને રજુઆત પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મનરેગા યોજના સંદર્ભમાં સરકાર દ્વારા ગંભીરતા દાખવી દાહોદમાં જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી દ્વારા ફરિયાદમાં રૂપાંતર થતાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં. મુખ્યત્વે આ મનરેગા મહાકૌંભાંડનું સમગ્ર નેટવર્ક દાહોદના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડ સમગ્ર મનરેગા યોજનાનું ધાનપુર અને દેવગઢ બારીઆ તાલુકામાં કામકાજ સંભાળતા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે પરંતુ પોલીસ ફરિયાદમાં આ બંન્ને મંત્રી પુત્રોના નામોનો સમાવેશ ન કરવામાં આવતાં તે ક્ષણે આશ્ચર્ય પણ સર્જાયું હતું. દાહોદ પોલીસે આ મહાકૌંભાંડમાં કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. અને આરોપીઓ હાલ જેલવાસ પણ ભોગવી રહ્યાં છે અને થોડા દિવસો પહેલા દાહોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપી મનીષ પટેલ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે. ત્યારે થોડા દિવસો પહેલા મંત્રીનો બંન્ને પુત્રો દ્વારા દાહોદની નામદાર કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ મુકી હતી અને બાદમાં એકાએક આ આગોતરા જામીન બંન્ને પુત્રો દ્વારા પરત પણ ખેંચી લેવાતાં અનેક તર્ક વિતર્કાે પણ વહેતાં થવા પામ્યાં હતાં પરંતુ આજરોજ આ મનરેગા મહાકૌંભાંડમાં મંત્રીના બે પૈકી એક પુત્ર બળવંત પટેલની દાહોદ પોલીસે અટકાયત કરી હોવાને પગલે સમગ્ર દાહોદ જિલ્લાની સાથે સાથે સત્તાધારી ભાજપના રાજકારણમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. ખરેખર પોલીસ તંત્ર દ્વારા મંત્રી પુત્રની તથા તત્કાલીન ટી ડી યો દર્શન પટેલ ની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે હવે જોવું રહ્યું કે આગળ તપાસમાં શું આવશે અને તેની અસર કેવી હશે