18મી માર્ચે મતદાન; ભાજપ મોવડી મંડળ મેન્ડેટ જાહેર કરતા પહેલા તમામ પાસાઓ ચકાસશે.
વડોદરા: બરોડા ડેરીના નિયામક મંડળની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શહેરના ‘વંદે કમલમ’ ભાજપ કાર્યાલય ખાતે આજે ઉમેદવારોને સાંભળવા અને મેન્ડેટ નક્કી કરવા માટેની મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક પૂર્વ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
ભાજપ પ્રદેશ મોવડી મંડળ દ્વારા નિમણૂક કરાયેલા ત્રણ નિરીક્ષકો ડૉ. કુબેર ડિંડોર, મોતીભાઈ વસાવા અને નીપા પટેલની ઉપસ્થિતિમાં 13 બેઠકો માટે ઉમેદવારોનો વ્યુ લેવામાં આવ્યો હતો. ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, “પાર્ટીની નક્કી કરેલી સિસ્ટમ મુજબ અમે તમામ પ્રતિનિધિઓને સાંભળી રહ્યા છીએ અને તેનો રિપોર્ટ પ્રદેશ મંડળને સોંપવામાં આવશે. કોઈપણ વિવાદ હશે તો તેને સંવાદ દ્વારા ઉકેલવામાં આવશે.”
નોંધનીય બાબત એ રહી કે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ અનેક દિગ્ગજ નેતાઓએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા હતા. જેમાં ડેરીના વર્તમાન ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા), વાઈસ ચેરમેન જી.બી. સોલંકી અને છોટાઉદેપુર બેઠક પરથી સંગ્રામસિંહ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે.
બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી આગામી 18મી માર્ચે યોજાનાર છે, જેમાં ભાજપ પ્રેરિત પેનલ અને અન્ય ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શક્યતા છે.