
વડોદરા
બરોડા ડેરીની આવનારી ચૂંટણીને લઈને છોટાઉદેપુર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. નસવાડી ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં બરોડા ડેરીના માજી ઉપપ્રમુખ અને નસવાડી ઝોનમાંથી બિનહરીફ વિજેતા જાહેર થયેલા જી.બી. સોલંકીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે પણ ડેરીમાં ભાજપનું જ બોર્ડ રચાશે અને કુલ 6 બેઠકો બિનહરીફ થશે. બીજી તરફ, ડેરીના વર્તમાન પ્રમુખ દિનુ પટેલ (મામા)એ વિરોધીઓ સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.
નસવાડી ઝોનમાંથી બિનહરીફ ચૂંટાયેલા જી.બી. સોલંકીના સન્માન પ્રસંગે ચાર તાલુકાના ડેરી પ્રમુખો અને મંત્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જી,બી,સોલંકીએ જણાવ્યું કે, “મતદારો, ડેરી પ્રમુખો અને મંત્રીઓના સહકારથી હું બિનહરીફ થયો છું. ગત ચૂંટણીની જેમ આ વખતે પણ 6 બેઠકો બિનહરીફ થશે તેવો મને વિશ્વાસ છે.” તેમણે ઉમેર્યું કે પેનલના તમામ 13 ઉમેદવારોએ ભાજપની ટિકિટ માગી છે અને પક્ષ જેને મેન્ડેટ આપશે તેને વિજયી બનાવી ડેરી પર ભાજપનો ભગવો લહેરાવવામાં આવશે.
પ્રમુખ દિનુ પટેલે કાર્યક્રમ દરમિયાન વિરોધીઓ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, અમે હંમેશા પશુપાલકોના હિતમાં કાર્ય કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રૂ. 250 કરોડના વિકાસ કાર્યો કરાયા છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે આ વખતે તેમની પોતાની બેઠક બિનહરીફ થવાની શક્યતા ઓછી છે.
દિનુ મામાએ ભાવુક સ્વરે જણાવ્યું કે, જે લોકો ગઈકાલ સુધી સાથે હતા તેઓ આજે અંગત સ્વાર્થ માટે વિરોધમાં ઊભા રહ્યા છે. ખોટા આક્ષેપો કરનારાઓ સામે રૂ. 25 કરોડનો માનહાનિનો દાવો કરવાની અને જરૂર પડે તો ‘દંડો’ ઉઠાવવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

“પશુપાલકોનું હિત મારી પ્રાથમિકતા છે, પરંતુ જે લોકો ગઈકાલે મારી પડખે રહી આજે મારી પીઠમાં ખંજર ભોંકી ખોટા આક્ષેપો કરે છે, તેમને છોડવામાં નહીં આવે. સત્ય માટે હવે મારે રૂ. 25 કરોડનો દાવો કરવો પડશે અને જરૂર પડે તો દંડો ઉઠાવતા પણ અચકાવું નહીં.”
— દિનુ પટેલ (મામા), પ્રમુખ, બરોડા ડેરી