Vadodara

બરોડા ડેરી ચૂંટણી: ફોર્મ ચકાસણી પૂર્ણ, સત્તાવાર યાદી પહેલા જ રાજકીય ઉકળાટ!

કોના પત્તા કપાશે? કયા દિગ્ગજો મેદાન બહાર ફેંકાશે?
સત્તાવાર યાદી જાહેર થતાની સાથે જ ડેરીના રાજકારણમાં ધડાકા થવાના સંકેત

વડોદરા:;વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન બરોડા ડેરીની ચૂંટણી હવે દૂધ-ઘીમાંથી સીધી રાજકીય ગરમ તેલમાં આવી ચૂકી છે. નિયામક મંડળની આગામી ચૂંટણીને લઈ શનિવારે મુખ્ય ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેની કચેરી ખાતે યોજાયેલી ઉમેદવારી ફોર્મ ચકાસણી માત્ર પ્રક્રિયા નહીં, પરંતુ શક્તિપ્રદર્શન અને તાકાત માપવાની કસોટી બની ગઈ હતી.
ફોર્મ ચકાસણી શરૂ થવાની સાથે જ કચેરી પરિસર એવું લાગતું હતું જાણે કોઈ VIP રાજકીય મુકાબલો થવાનો હોય. અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત એવો ગોઠવાયો કે ડેરી નહીં, કિલ્લો હોય એવી લાગણી ઊભી થઈ ગઈ.
ઝોન-1 (પાદરા) માં વર્તમાન ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા) અને ભાસ્કર પટેલના ફોર્મ ચકાસાયા. ઝોન-2 (કર્જણ) માં સતીશ પટેલ (નિશાળિયા), દિલીપ કુમાર શાહ સહિતના ઉમેદવારોના ફોર્મ સામે કોઈ ખાસ તોફાન નહોતું, પરંતુ ઝોન-3 (વડોદરા તાલુકા) માં પ્રવેશતા જ માહોલ બદલાઈ ગયો. અહીં વર્તમાન ડિરેક્ટર શૈલેશ પટેલ અને હિતેશ પટેલના ફોર્મ સામે વાંધા-વચકા ઉઠતા રાજકીય તાપમાન એકાએક વધી ગયું.
સૌથી વધુ ભીડ અને રસાકસી ડેસર ઝોન (ઝોન-4 અને 5) માં જોવા મળી, જ્યાં કુલદીપસિંહ રાઉલજી અને તેમના હરીફ સુરપાલસિંહ પરમાર સહિતના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર દેખાઈ. ઉમેદવારો કરતાં તેમના ટેકેદારો વધારે ઉત્સાહમાં હતા અને કચેરી પરિસર સમર્થકોની સભા બની ગયું.
ચૂંટણી અધિકારી દ્વારા તમામ ફોર્મની ઝીણવટભરી તપાસ બાદ કયા ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ટકશે અને કોના પત્તા કપાશે તેની સત્તાવાર યાદી સોમવારે જાહેર થવાની છે. આ યાદી જાહેર થતાં જ બરોડા ડેરીના રાજકારણમાં નવા વિસ્ફોટો અને તોફાની ચર્ચાઓ શરૂ થવાની પૂરી શક્યતા છે.
: ડેરીની ચૂંટણી કે રાજકીય રણભૂમિ?
ફોર્મ ચકાસણીના તબક્કામાં જ વડોદરા તાલુકા અને પાદરા જેવા હાઈપ્રોફાઈલ ઝોનમાં શાબ્દિક ટપાટપી, કાયદાકીય વાંધા અને શક્તિપ્રદર્શન શરૂ થઈ ગયું છે. પોલીસને કચેરી બહાર સમર્થકોને કાબૂમાં લેવા માટે કિલ્લેબંધી કરવી પડી. હવે સવાલ એક જ છે —
ડેરી પર રાજ કોણ કરશે? અને કોને બહાર બેસવું પડશે?

Most Popular

To Top