Vadodara

બરોડા ડેરીમાં સત્તાસંગ્રામ ગરમાયો: બપોરે 1 વાગ્યા સુધી ‘રેકોર્ડબ્રેક’ 98% મતદાન

4 ઝોનમાં ભારે ઉત્સાહ, મતદારોની લાંબી કતારો
ડેસર બેઠક પર કાંટાની ટક્કર, પરિણામો પર સૌની નજર

વડોદરા:
વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં આ વખતે મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. બપોરે 1 વાગ્યા સુધીના આંકડા મુજબ ચારેય ઝોનમાં સરેરાશ 98 ટકા જેટલું મતદાન નોંધાયું છે, જે ‘રેકોર્ડબ્રેક’ ગણાઈ રહ્યું છે.
કુલ 329 મતદારોમાંથી મોટાભાગના મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે. લોકશાહીના આ પર્વમાં મળેલો આ પ્રતિસાદ દર્શાવે છે કે આ વખતની ચૂંટણીમાં કાંટાની ટક્કર સાથે ચોંકાવનારા પરિણામોની શક્યતા છે.

ઝોન મુજબ મતદાનની સ્થિતિ
પાવીજેતપુરા (ઝોન-12): 100% મતદાન
વડોદરા (ઝોન-3): 83 માંથી 81 મતદાન
ડેસર (ઝોન-6): 82 માંથી 81 મતદાન
ડભોઇ (ઝોન-8): 78 માંથી 76 મતદાન
ગઢ બચાવવાનો જંગ કે પરિવર્તનની લહેર?

કુલ 13 ઝોનમાંથી 9 ઝોનમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થયા બાદ બાકી રહેલી 4 બેઠકો પર જંગ જામ્યો છે. ખાસ કરીને ડેસર બેઠક પર ભાજપ પ્રેરિત પેનલ અને જૂના જોગીઓ વચ્ચે રસાકસીભર્યું વાતાવરણ જોવા મળ્યું છે.
ડેસર બેઠક પર સુરપાલસિંહ પરમાર અને પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી વચ્ચે સીધી ટક્કર છે. બંને ઉમેદવારો જીતનો દાવો કરી રહ્યા છે. એક તરફ પરિવર્તનના નારા છે, તો બીજી તરફ વિશ્વાસ અને અનુભવનો દાવો છે.
કડક બંદોબસ્ત વચ્ચે મતદાન પૂર્ણતા તરફ

સવારે 9 વાગ્યાથી શરૂ થયેલી મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતદાન શાંતિપૂર્ણ રીતે આગળ વધ્યું છે અને બપોરે 3 વાગ્યા સુધીમાં મતદાન પૂર્ણ થશે.
મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરાશે અને સાંજ સુધીમાં બરોડા ડેરીનું નવું નિયામક મંડળ સામે આવશે.
■: કોનો ગઢ બચશે? કોનો સૂર્ય આથમશે?

બરોડા ડેરીની આ ચૂંટણી માત્ર દૂધ સંઘ પૂરતી મર્યાદિત નથી, પરંતુ જિલ્લાના રાજકારણમાં વર્ચસ્વ નક્કી કરનારી બની છે.
ડેસર બેઠક પર ‘વિશ્વાસ’ સામે ‘પરિવર્તન’ની લડાઈમાં પશુપાલકો કોના પક્ષે મત આપે છે તે હવે પરિણામોમાં જ સ્પષ્ટ થશે.
સાંજ સુધીમાં ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’ થઈ જશે!

Most Popular

To Top