બરોડા ડેરીની સત્તાનો સંગ્રામ: હાઈકોર્ટે લોકશાહી બચાવી, નેતાઓના ‘વહીવટદાર’ રાજ પર બ્રેક!
18 માર્ચે મતદાન અને તે જ દિવસે ફેંસલો; સહકારી ક્ષેત્રના માંધાતાઓ મેદાનમાં ઉતરે તેવી શક્યતા
વડોદરા: લાંબા સમયથી વિવાદો અને કાયદાકીય ગૂંચવણોમાં અટવાયેલી વડોદરાની પ્રતિષ્ઠિત સંસ્થા ‘વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ’ ની ચૂંટણી આખરે જાહેર થઈ છે. ગુજરાત હાઈકોર્ટના કડક વલણ અને આદેશ બાદ તંત્ર દ્વારા આગામી 18 માર્ચના રોજ મતદાન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગેનું સત્તાવાર જાહેરનામું શનિવારે બહાર પડવાની પૂરેપૂરી શક્યતા છે.
બરોડા ડેરીના વર્તમાન બોર્ડની મુદત પૂરી થયાને દોઢ મહિનો વીતી ગયો હોવા છતાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. આ વિલંબને પગલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા સહિત પાંચ ઉચ્ચ અધિકારીઓને કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હતું. કોર્ટની આ કડકાઈ બાદ ચૂંટણી તંત્ર સફાળું જાગ્યું છે અને આખો કાર્યક્રમ જાહેર કર્યો છે.
જાહેર થયેલા કાર્યક્રમ મુજબ, ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા 21 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. ત્યારબાદ 7 માર્ચના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જે ઉમેદવારોએ પોતાનું નામ પરત ખેંચવું હોય તેઓ 2 અને 3 માર્ચના રોજ ફોર્મ પાછા ખેંચી શકશે. આખરી જંગનું ચિત્ર 7 માર્ચ પછી સ્પષ્ટ થશે. 18 માર્ચના રોજ મતદાન અને ત્યારબાદ મતગણતરી હાથ ધરાશે.
ચૂંટણીની તારીખો જાહેર થતા જ વડોદરા જિલ્લાના સહકારી અને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓના હિતો આ ચૂંટણી સાથે જોડાયેલા હોવાથી અનેક પેનલો મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. ખાસ કરીને ડેરીમાં વહીવટદાર મૂકવાની અટકળો પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે અને લોકશાહી ઢબે ચૂંટણી યોજાવા જઈ રહી છે.
નેતાઓના ‘વહીવટદાર’ મૂકવાના મનસૂબા પર પાણી ફેરવાયું!
બરોડા ડેરીમાં પોતાની સત્તા જમાવવા ઈચ્છતા કેટલાક સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો ડેરીમાં ‘વહીવટદાર’ ની નિમણૂક થાય તેવા પ્રયાસો કરી રહ્યા હોવાની ચર્ચા હતી. એવી યોજના ઘડાઈ હતી કે ચૂંટણી મોકૂફ રાખી પેટા-નિયમોમાં સુધારા કરવામાં આવે. પરંતુ હાઈકોર્ટે 18 માર્ચ પહેલા ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપી આ તમામ રાજકીય ખેલ ઊંધા પાડી દીધા છે. હવે સત્તાનો ફેંસલો સીધો મતના ડબ્બામાંથી જ થશે.
ચૂંટણીના મહત્વના પડાવ:
*21-26 ફેબ્રુઆરી: ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ
*02-03 માર્ચ: ફોર્મ પરત ખેંચવાની મુદત
*07 માર્ચ: ફોર્મની ચકાસણી અને અંતિમ યાદી
*18 માર્ચ: મતદાન અને પરિણામ