વહીવટી અનિયમિતતાઓ અને અંધેર વહીવટ સામે સહકાર વિભાગની આકરી કાર્યવાહીથી માંધાતાઓમાં દોડધામ
વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની કરોડરજ્જુ ગણાતી અને શ્વેત ક્રાંતિનું પ્રતીક એવી ‘બરોડા ડેરી’ (વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ) અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. સહકાર વિભાગ દ્વારા ડેરીના નિયામક મંડળ વિરુદ્ધ કાયદાકીય સકંજો કસવામાં આવતા સહકારી રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. આગામી ચૂંટણીઓ પૂર્વે જ લેવાયેલા આ આકરા પગલાને કારણે ડેરીના સત્તાધારી પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સહકાર વિભાગે ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ 76(B) હેઠળ નિયામક મંડળને કારણદર્શક નોટિસ ફટકારી છે. આ નોટિસના પાયામાં ભૂતકાળમાં ડેરી દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના બેફામ ખર્ચ અને વહીવટી પ્રક્રિયામાં રાખવામાં આવેલી ગંભીર અનિયમિતતાઓ રહેલી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ડેરીના વહીવટમાં અમુક એવા નાણાકીય નિર્ણયો લેવામાં આવ્યા હતા જેના કારણે સંસ્થાની તિજોરી પર મોટું ભારણ આવ્યું હતું. સહકાર વિભાગે આ નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે આ ખર્ચાઓ પાછળ બોર્ડના સભ્યોની સીધી જવાબદારી બને છે.
બરોડા ડેરીની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ આ નોટિસ આવતા તેને રાજકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. ડેરીના સત્તાધારી જૂથ અને વિરોધ પક્ષો વચ્ચે અત્યારથી જ શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. વિરોધ પક્ષો આ મુદ્દાને પશુપાલકોના હિત સાથે જોડીને સત્તાધારી પેનલને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યા છે. બીજી તરફ, ડેરીના માંધાતાઓ આ મામલે કાયદાકીય લડત આપવા માટે તૈયારી કરી રહ્યા છે.
”આ નોટિસને પગલે સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. હવે જોવાનું એ રહેશે કે નિયામક મંડળ સહકાર વિભાગને કેવો અને ક્યારે ખુલાસો આપે છે.”
નોટિસના મુખ્ય અંશ અને ગંભીરતા…
સહકાર વિભાગે સભ્યો પાસે ખુલાસો માંગ્યો છે:
*નાણાકીય ગેરરીતિ: કરોડો રૂપિયાના ખર્ચ કરવા પાછળના ઠોસ કારણો અને પુરાવા શું છે?
*વહીવટી ક્ષતિ: શું આ ખર્ચ મંજૂર કરતી વખતે નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું?
*હોદ્દા પરથી દૂર કરવાની જોગવાઈ: કલમ 76(B) અત્યંત ગંભીર ગણાય છે, કારણ કે તેમાં જો સભ્યો સંતોષકારક જવાબ ન આપી શકે, તો તેમને હોદ્દા પરથી દૂર કરવા તેમજ ભવિષ્યમાં ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવા સુધીની કડક જોગવાઈઓ છે.