એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે લોકોએ હલ્લો મચાવ્યો.
ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકોએ વીજ કર્મીઓને આડે હાથ લીધા .
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આરવી દેસાઈ રોડ ઉપર આવેલા વિસ્તારોમાં ગત રાત્રીએ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. જેના કારણે લોકોએ રાત્રિ દરમિયાન બરાનપુરા પેટા વિભાગીય એમજીવીસીએલની કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો.
વડોદરા શહેરમાં વધુ એક વખત એમજીવીસીએલની બેદરકારીને કારણે વીજ ધાંધિયા સર્જાયા છે. એક તરફ મેઘરાજા અલુપ્ત બન્યા છે. નગરજનો ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે, તેવામાં વીજ પુરવઠો ખોરવાતો હોવાની બૂમો ઊઠી રહી છે. ત્યારે ગતરાત્રિએ વડોદરા શહેરના બરાનપુરા આર.વી.દેસાઈ રોડ ખારવાવાડ, ઘડિયાળી પોળ જેવા અનેક વિસ્તારોમાં રાત્રિના પોણા બાર વાગ્યાથી લઈને અઢી વાગ્યા સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા રહીશોએ બરાનપુરા એમજીવીસીએલની પેટા વિભાગીય કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. ફરજ પર હાજર કર્મચારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી. અગાઉ પણ આજ વિસ્તારમાંથી વીજ પુરવઠો ખોટકાતો હોવાની બુમો ઉઠી હતી.રહીશોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જેના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવવાની ફરજ પડી છે.