અંજુ માસીના કહેવા મુજબ માતાજીનું દસમું સ્વરૂપ એટલે મા દશામા નું સ્વરૂપ ગણાય છે
(પ્રતિનિધિ) વડોદરા તા.30
શહેરના બરાનપુરા વિસ્તારમાં વર્ષોથી વ્યંઢળ સમાજ દ્વારા દશામાની દસ દિવસીય સ્થાપના અને પૂજા ધામધૂમથી શ્રધ્ધા ભક્તિ સાથે કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પઢ અહીં માતાજીનો સ્થાપના પૂજા કરવામાં આવી રહી છે જ્યાં દરરોજ શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન કરી રહ્યા છે.

માતાજીના દસ સ્વરૂપ પૈકીનું દસમું સ્વરૂપ એટલે દશામાનુ સ્વરૂપ. હાલમાં દશામાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને દશામાના વ્રતની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર નાના મોટા દશામાની મૂર્તિઓની સ્થાપના કરી અને ભક્તિ ભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે. વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં વ્યંઢળ સમાજના લોકો વસવાટ કરે છે વ્યંઢળ સમાજ દ્રારા વર્ષોની પરંપરા મુજબ દશામાની મૂર્તિ ની દસ દિવસ સુધી સ્થાપના તેમજ પૂજન અર્ચન કરી ભક્તિ અને ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. બરાનપુરા વિસ્તારમાં વસતા અંજુ માસીના નિવાસ્થાને 30 વર્ષથી, અનુ માસી ના નિવાસ્થાને 20 વર્ષથી તેમજ લતા માસીના નિવાસસ્થાને 38 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. માતાજીના પ્રસાદીરૂપી ગોયની પણ કરી અને ભાવિ ભક્તોને આશીર્વાદ આપવામાં આવે છે. અંજુ માસીના કહેવા મુજબ માતાજીનું દસમું સ્વરૂપ એટલે મા દશામા નું સ્વરૂપ ગણાય છે અને આ દશામાં દરેકના દુઃખ દૂર કરનારી છે જેથી જે દશામાંના દસ દિવસ સુધી ભક્તિ ભાવપૂર્વક પૂજન અર્જન અને વ્રત કરે છે તેને દશામાં સર્વે દુઃખોમાંથી દુઃખ દૂર કરે છે.