મહિલાઓએ કહ્યું – “કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે તંત્ર
છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી પરેશાન રહીશો રસ્તા પર ઉતર્યા વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નહીં.

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. ખાસ કરીને વિઠ્ઠલવાડી ઝૂંપડપટ્ટીના રહીશો છેલ્લા છ મહિનાથી પાણી માટે તંત્રના દરવાજે ધક્કા ખાઈ રહ્યા છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. વારંવાર રજૂઆત કર્યા છતાં તંત્ર દ્વારા સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી, જેના કારણે રહીશો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે.

વોર્ડ નં. 13ના કાઉન્સિલર બાળુ સુર્વેની આગેવાનીમાં રહીશોએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી. રહીશોમાં કાજલ ચુનારા અને પૂજા ચુનારાએ જણાવ્યું હતું કે, “અમે રોજિંદા જીવન માટે જરૂરી પાણી માટે તંત્ર પાસે વારંવાર માંગણી કરી છે, છતાં હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે.” મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રહીશોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.

રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે. પાણી જેવી જીવનજરૂરી સુવિધા માટે પણ તંત્રની બેદરકારી સામે રહીશો હવે એકતાબદ્ધ થઈને અવાજ ઉઠાવી રહ્યા છે.