કાવડ યાત્રા ભક્તિ અને ઉત્સાહથી ગુંજી ઉઠી
હજારો ભક્તોની ઉમટી પડેલી ભીડ, ફૂલોની વર્ષા વચ્ચે શ્રદ્ધા-ભક્તિ અને ઉત્સાહથી છલકાયું આખું શહેર

વડોદરામાં વર્ષોથી ચાલતી આવી ઐતિહાસિક પરંપરા મુજબ નવનાથ મહાદેવની કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. નવનાથ મહાદેવને શહેરના રક્ષક દેવ તરીકે માનવામાં આવે છે; તેથી આ યાત્રા માત્ર ધાર્મિક વિધિ જ નહીં, પરંતુ વડોદરા વાસીઓની આસ્થા અને એકતાનું પ્રતિક છે.
કાવડ યાત્રાનો શુભારંભ સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી વિજયજી મહારાજના નેતૃત્વમાં થયો. સાથે જ પ્રખર શિવભક્ત નીરજ જૈન તથા તેમના સાથી કવાડીયાઓએ ધ્વજ, માળા અને શંખધ્વનિ સાથે યાત્રાની અસરકારક આગેવાની સંભાળી. ભક્તો કાંધ પર કાવડ લઈ નગરની ગલીઓમાં જયઘોષ સાથે આગળ વધતાં જ સૌ કોઈના હ્રદયમાં ભક્તિનો ઉલ્લાસ છલકાતો જોવા મળ્યો.

શહેરનાં જુદા-જુદા વિસ્તારોથી માતા-પિતા બાળકો સાથે ભક્તિમેજમાં જોડાયા. રસ્તા કિનારે ઉભેલા લોકો કવાડીયાઓ પર ફૂલોની વર્ષા કરતા હતાં. યુવાઓ ‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે ગીતો-ઢોલ નગારા વગાડતાં હોવાને કારણે યાત્રાએ ઉત્સવનું સ્વરૂપ ધારણ કર્યું.
આ ભવ્ય કાવડ યાત્રામાં ધાર્મિક ભાવનાઓ સાથે અનેક રાજકીય આગેવાનોની પણ નોંધપાત્ર હાજરી જોવા મળી. સામાજિક સેવા કેમ્પો ગોઠવી પ્રસાદરૂપે ફળ, નાસ્તો અને ઠંડા પાણીની વિશાળ વ્યવસ્થા કરી. અનેક યુવાનો સેવાભાવી અભિગમ સાથે પગપાળા માર્ગ સ્વચ્છતા અભિયાન ચલાવતા નજરે પડ્યા.
યાત્રાના માર્ગે જયારે કવાડીયો ઉલ્લાસપૂર્વક આગળ વધી રહ્યા હતા ત્યારે અચાનક એક રોમાંચક ક્ષણ સર્જાઈ – એક પળ માટે બધાએ ઉંચા અવાજમાં ગાજતાં જયઘોષ કર્યો અને સમગ્ર રસ્તો ‘બમ-બમ ભોલેનાથ’ની ગૂંજનથી ધ્રૂજી ઉઠ્યો. આ મંત્રોચ્ચારથી ભક્તોમાં શિવમય લાગણી ઓતપ્રોત થઈ ગઈ.
આ કાવડ યાત્રા માત્ર ધાર્મિક વિધિ નથી, પણ ભક્તિ, ઉત્સાહ, સમાજસેવા અને સાંસ્કૃતિક એકતાનું પણ જીવંત પ્રતીક છે. શ્રદ્ધાળુઓના ચહેરા પર દેખાતી ભક્તિમય ઝળહળાટ, કાંધ પરની કાવડનું ભાર છતાં તણાવ વિના ભરેલાં પગલાં આ બધું જ નવનાથ મહાદેવપ્રતિની અદમ્ય ભક્તિની સાક્ષી બની રહ્યુ હતું.
વડોદરા શહેર આજે ફરી એકવાર સાબિત કરી ગયું કે શ્રાવણનો અંતિમ સોમવાર માત્ર કેલેન્ડરની તારીખ નહિ, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભક્તિથી ઝગમગતું એક પર્વ છે. નવનાથ મહાદેવની કાવડ યાત્રા વડોદરાની રગો સાથે ગુંથાઈ ગયેલી અવિસ્મરણીય પરંપરા છે, જે વર્ષ બાદ વર્ષ શહેરના ભાવિકોને ભક્તિમાર્ગ પર એકત્રિત કરે છે.