કોંગ્રેસ નેતા બાળું સુર્વેએ પોતાના વિસ્તારમાં સ્થિત બદામડી બાગની દયનીય પરિસ્થિતિ અંગે અવાજ ઉઠાવ્યો છે. સુર્વેએ જણાવ્યું કે, “એક સમયનો શહેરીજનોનો ગૌરવ ગણાતો બદામડી બાગ આજે શહેરનો સૌથી ગંદો બગીચો બની ગયો છે. અહીં હરવા ફરવા માટે નાના બાળકો અને વડીલોને અન્ય વિસ્તારમાં જવું પડે છે. અહીંના સાધનો હટાવી દેવામાં આવ્યા છે, પેવર બ્લોકના પથ્થર પણ ઉખડી ગયા છે, અને સુવિધાઓ ખતમ થઈ ગઈ છે.” આ મુદ્દે મેયરે કહ્યું કે, “આગામી 15 દિવસમાં બદામાડી બાગના સુધારણા કામો શરૂ કરી દેવામાં આવશે.”
વેરા વસૂલાત મુદ્દે પણ બાળું સુર્વેએ ગંભીર સવાલો ઉઠાવ્યા. તેમણે ટીકા કરતા જણાવ્યું કે, “શહેરમાં સામાન્ય નાગરિકો માટે કડક વેરા ઉઘરાણી કરવામાં આવી રહી છે, પણ શહેરી શાળાઓ જે કોર્પોરેશનની જમીન પર ચાલી રહી છે, એ શાળાઓ પાસેથી 100 કરોડ બાકી છે. આમ છતાં, તે શાળાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. કેમ? કારણ કે આ શાળાઓના માલિકો મંત્રીઓ સાથે ઓળખાણ ધરાવે છે.” વિપક્ષના નેતાએ પણ આ મુદ્દે પોતાની વાણી તીક્ષ્ણ કરી હતી. તેમણે કહ્યું, “અમારા સાથી કોર્પોરેટરો ઘણા સમયથી આ બાબત ઉઠાવી રહ્યા છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સામાન્ય નાગરિક 100 રૂપિયા બાકી રાખે તો સિલ કરવામાં આવે છે, પણ આ શાળાઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.”
