મનીષ પગારે કહ્યું; પ્રયત્ન થશે કે નહીં, એ જાણવામાં રસ નથી
1500 કરોડના વિકાસકામો, શિવજી કી સવારી વિવાદ, પ્રદૂષણ નિયંત્રણ, સ્પોર્ટ્સ ક્વોટા અને વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ પર તીવ્ર ચર્ચા
ગત વર્ષે આવેલા ભારે વરસાદ અને પૂરથી વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેનાથી લાખો નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આજે શહેરના શાસકો અને પ્રતિપક્ષ વચ્ચે નદી ઊંડી કરવા માટેની કામગીરી અને ટેન્ડર પ્રક્રિયા અંગે ચર્ચા ગરમાઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં વિશ્વામિત્રી નદી ઊંડી કરવાના કામ અંગે ચર્ચા થઈ હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં નદી ઊંડી કરવાની કામગીરી શરૂ થશે. વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ પ્રોજેક્ટ ચોમાસા પહેલા પૂર્ણ થાય. બજેટ બેઠક દરમિયાન ભાજપના કોર્પોરેટર મનીષ પગારેએ પ્રશ્ન ઉઠાવ્યો કે “વિશ્વામિત્રી નદી ઊંડી કરવાનું કામ ચોમાસા પહેલા પૂર્ણ થશે કે નહીં?” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વામિત્રી અને અન્ય તળાવો ઊંડા કરવા માટે કામગીરી ઝડપથી થવી જોઈએ જેથી શહેરમાં પુનઃ પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં. તેમની રજૂઆતને સમર્થન આપી ભાજપના અન્ય સભ્યોએ પણ વહીવટીતંત્ર પાસે સ્પષ્ટતા માગી હતી. મનીષ પગારેએ જણાવ્યું કે “પ્રયત્ન થશે કે નહીં, એ જાણવામાં રસ નથી. પણ ચોમાસા પહેલા કામ થશે કે નહીં, તે શહેરની પ્રજાને જાણવા જેવું છે.” વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે ટેન્ડર મંગાવવાની અને રિ-ટેન્ડર કરવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યો. તેમણે પૂછ્યું કે કોના દબાણ હેઠળ ટેન્ડર રિ-ઇન્વાઇટ કરવામાં આવ્યા? તેમણે પણ વિશ્વામિત્રી ઊંડી કરવાના કામને તાત્કાલિક અમલમાં મૂકવા અને ચોમાસા પહેલા પૂર્ણ કરવા માટે જોરદાર માગણી કરી. તેમણે જણાવ્યું કે, “વિશ્વામિત્રી પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે 100 દિવસનો સમય હતો, પરંતુ હવે પૂરતો સમય રહ્યો નથી.”
વડોદરાના વિકાસ માટે રૂ.6,219.81 કરોડનું બજેટ, વિકાસ માટે નવી યોજનાઓ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે વર્ષ 2025-26 નું ₹6,219.81 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કર્યું છે અને આજે સમગ્ર સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ ડૉ શીતલ મિસ્ત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું કે આવક વધારવા અને ખર્ચ ઘટાડવા પ્રયાસ કરાયો છે. 1500 કરોડના વિકાસકામો કરાશે, જે ગયા વર્ષની તુલનાએ 350 કરોડ વધુ છે. સાથે જ શહેરને સ્માર્ટ, ગ્રીન, સસ્ટેનેબલ અને રેસિડેન્ટ-ફ્રેન્ડલી બનાવવા માટે મોટા આયોજન પણ કરાયા છે. હોર્ડિંગ-ફ્રી શહેર બનાવવા માટે 1 માર્ચથી ખાસ અભિયાન શરૂ થવાનું છે. પૂર નિયંત્રણ અને વરસાદી પાણીના નિકાલ માટે તળાવો ઈન્ટરલિંક કરવાની યોજના બનાવવામાં આવી છે. આજથી ત્રણ દિવસ સુધી બજેટ પર ચર્ચા થશે. વડોદરાના આગામી વિકાસ માટે આ બજેટ મહત્વપૂર્ણ સાબિત થશે.
શિવજી કી સવારીના ખર્ચને લઈને અલ્પેશ લિંબચિયાનો વિરોધ, આમને-સામને આક્ષેપબાજી
વડોદરા મહાનગરપાલિકાની બજેટ બેઠકની શરૂઆત જ તણાવપૂર્ણ બની હતી. આજે મળેલી બેઠકમાં ભાજપના પૂર્વ નેતા અલ્પેશ લિંબચિયાએ શિવજી કી સવારી પાછળ થયેલા ખર્ચને મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આ મામલે કડક વાંધો ઉઠાવતાં કહ્યું કે વર્ષ 2013થી શિવજી કી સવારી યોજાઈ રહી છે, અને દર વર્ષે કોર્પોરેશન આ કાર્યક્રમ માટે મદદ કરે છે. તેમ છતાં, ગત વર્ષે થયેલા ખર્ચની મંજૂરી માટે વિલંબ કેમ થઈ રહ્યો છે? તેમની આ માંગણી સામે અન્ય સભ્યોએ ચેરમેનની બજેટ સ્પીચ પૂરી થાય ત્યારબાદ ચર્ચા કરવા કહ્યું, જેને લઈ બંને પક્ષ વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ સર્જાયો. ત્યારબાદ મામલો શાંત કરાવવામાં આવ્યો, પરંતુ બપોર બાદની બેઠકમાં લિંબચિયાએ માફી માગી, છતાં પોતાની વાચાને જાળવી રાખી. આ બેઠકમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કોર્પોરેટ કેયુર રોકડિયાએ ધાર્મિક કાર્યક્રમોની સહાય અંગે ચર્ચા કરી, ત્યારે અન્ય સભ્યોએ ફરી શિવજી કી સવારીનો મુદ્દો ઉઠાવ્યો. આ સમયે, પૂર્વ વિરોધ પક્ષના નેતા અમી રાવતે મત પ્રગટ કરતાં જણાવ્યું કે કોર્પોરેશન માત્ર શિવજી કી સવારી માટે જ નહીં, પરંતુ વડોદરાના વિશ્વપ્રસિદ્ધ ગરબાના આયોજકોને પણ સહાય કરવી જોઈએ. તેમની આ ટિપ્પણી પર ભાજપના અન્ય સભ્યોએ વિરોધ નોંધાવ્યો.
શિવજી કી સવારી માટે ફંડિંગ મુદ્દે સ્પષ્ટતા
“શિવજી કી સવારી” માટે નાણાં ફાળવવાના મુદ્દે સ્થાયી સભ્ય બંદિશ શાહે સ્પષ્ટતા કરતા કહ્યું, “કોર્પોરેશન આ ખર્ચ કરે તો રાજ્ય સરકાર પાસે સહાય માટે અપેક્ષા કેમ રાખવી? આ મુદ્દે વધુ ચર્ચા માટે આ પ્રસ્તાવ મોટી સંકલનમાં મોકલવામાં આવ્યો છે. દર વર્ષે આ મુદ્દો સપાટી પર ન આવે, તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.”
વડોદરા કોર્પોરેશનના બજેટ સત્રમાં સ્પોર્ટ્સ ક્વોટા અને પ્રદૂષણ નિયંત્રણ પર ચર્ચા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તાજેતરના ત્રણ દિવસીય બજેટ સત્રમાં કાઉન્સિલરોએ શહેરના વિકાસ માટે વિવિધ સૂચનો અને વણઉકલ્યા પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. ખાસ કરીને, શહેરના ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા નોકરીઓ આપવાની, વધતા પ્રદૂષણને અટકાવવા માટે એક હજાર ફાઉન્ટન સ્થાપવાની, અને શિવજી કી સવારી માટે ફંડિંગની ચર્ચાએ મહત્વ મેળવ્યું હતું.
ભાજપના કાઉન્સિલર મનિષ પગારે દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણ અને રમતગમત માટે વધુ સુવિધાઓ આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે, નિતીન દોંગા દ્વારા કોર્પોરેશનમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નોકરીઓ આપવા માટે સૂચન કરવામાં આવ્યું, જેનો ઘનશ્યામ પટેલ, નંદા જોષી અને અજીત દધીચે સમર્થન આપ્યું. ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, “વડોદરા રમતગમતના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવા મહોત્સવોમાં વડોદરાના ખેલાડીઓ દેશનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે, શહેરના 50% મેડાલિસ્ટ ખેલાડીઓને નોકરીઓ આપવા VMC દ્વારા ખાસ સ્પોર્ટ્સ ક્વોટા શરૂ કરવો જોઈએ.” ચેરમેન દ્વારા મ્યુનિસિપલ કમિશનરને સ્પોર્ટ્સ પોલિસી બનાવવાની સુચના આપવામાં આવી, જેથી ખેલાડીઓને તેમની પ્રતિભા મુજબ નોકરીની તક મળી શકે.
વધતા પ્રદૂષણ સામે એક હજાર ફાઉન્ટેન સ્થાપવા સૂચન
વડોદરામાં વધતા પ્રદૂષણને રોકવા માટે શહેરમાં એક હજાર ફાઉન્ટન બનાવવાની યોજનાનો પ્રસ્તાવ આ બજેટ બેઠકમાં રજુ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય કેયુર રોકડીયાએ કહ્યું, “શહેરમાં ઉદ્યોગો વધી રહ્યા છે અને પ્રદૂષણનો સ્તર પણ વધી રહ્યો છે. ભવિષ્યમાં આ સમસ્યા વધુ ગંભીર ન બને, તે માટે કોર્પોરેશન દ્વારા પહેલ કરવી જોઈએ.”
સરદાર પટેલ સ્ટેચ્યુ, રિંગ રોડ અને શિક્ષણના મુદ્દા પર ચર્ચા
તરસાલી વિસ્તારના વિકાસ અને સમસ્યાઓ અંગે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી. કોર્પોરેટર ઘનશ્યામ પટેલે સરદાર પટેલના સ્ટેચ્યુ અંગે ચર્ચા કરતા જણાવ્યું કે, વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્ટેચ્યુનું લોકાર્પણ કર્યું હતું, પરંતુ આજે તે સાઈડમાં ધકેલાઈ ગયું છે. તેમણે માંગણી કરી કે, સ્ટેચ્યુને ફરી પૂર્વસ્થાને લાવવામાં આવે, અને તેનો ખર્ચ પણ તેમની સંસ્થા ઉઠાવા તૈયાર છે. ઘનશ્યામ પટેલે તરસાલી વિસ્તારમાં ભંગાર વસ્તુઓ આપવા બદલ કોર્પોરેશનના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવુ છે કે અમારા વિસ્તારમાં ભંગાર વસ્તુઓ હોય તે અહી મોકલવામાં આવે છે. સાથે જ શહેરની આસપાસ બની રહેલા રિંગ રોડ અંગે હાલના સાંસદ સાથે ચર્ચા કરવાની જરૂર હોવાનું જણાવ્યું હતું, જેથી આ રોડ વધુ સારું બને અને લોકો માટે ઉપયોગી સાબિત થાય.
મોંઘી શાળાઓ પર નિયંત્રણ લાવવા કોર્પોરેશનની ભૂમિકા જરૂરી
બીજા એક મુદ્દે, સત્તાપક્ષના કોર્પોરેટર મનીષ પગારે શિક્ષણ અને મોંઘી શાળાઓ અંગે પ્રશ્ન ઉઠાવ્યો. તેમના જણાવ્યા પ્રમાણે, શહેરની કેટલીક શાળાઓમાં બાળકો માટે રમતગમતના શિક્ષકો પૂરતા નથી, જે વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક છે. તેમણે વધુમાં દાવો કર્યો કે, કેટલીક શાળાઓ આજે 1-1.5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી થઈ છે, જે ક્યારેક ન્યાયસંગત નથી, કારણ કે ભૂતકાળમાં આ શાળાઓ માત્ર 1000 રૂપિયાના ટોકન રકમ પર કોર્પોરેશન દ્વારા અપાઈ હતી. તેમના મત અનુસાર, હવે આ શાળાઓ પર નિયંત્રણ લાવવું જોઈએ અને ફીનો નક્કી કરવાનું અધિકાર કોર્પોરેશનને મળવું જોઈએ. જો શાળાઓ પોતાનો નિયમ વાપરતી રહે તો તેમની મિલ્કત કોર્પોરેશન હસ્તક લેવી જોઈએ અથવા વર્તમાન માર્કેટ રેટ મુજબ ભાડું વસૂલવું જોઈએ.