વોટર સપ્લાય અને ડ્રેનેજની ખરાબ સ્થિતિ અંગે વિપક્ષે સવાલો ઉઠાવ્યા
વડોદરામાં ‘ટેન્કર રાજ’ ચાલે છે ? કોંગ્રેસ-ભાજપના આક્ષેપો વચ્ચે ગરમાયો વિવાદ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સભામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. વોર્ડ નંબર 1ના કોંગ્રેસના કોર્પોરેટર જહા ભરવાડે વડોદરામાં ‘ટેન્કર રાજ’ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં સત્તાધારી ભાજપના કોર્પોરેટરો ભારે ઉગ્ર બની ગયા હતા. આક્ષેપને પાયાવિહોણા ગણાવી, વિપક્ષી નેતા સામે નિવેદન પરત લેવાની માંગ ઉઠી હતી, જેના કારણે સભામાં હંગામો મચી ગયો હતો.
જહા ભરવાડે બજેટ પર ચર્ચા કરતી વખતે વોટર સપ્લાય અને ડ્રેનેજની ખરાબ સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસ કોર્પોરેટરે દાવો કર્યો કે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે છતા શહેરમાં યોગ્ય પાણી પુરવઠો મળી રહ્યો નથી. અનેક વિસ્તારોમાં નાગરિકોને ટેન્કર દ્વારા પાણી મેળવવું પડે છે, જે વડોદરામાં ‘ટેન્કર રાજ’ ચાલે છે તેવો પુરાવો આપે છે. તેમણે કહ્યું કે, શહેરમાં 1595 કિમીનું ગટર નેટવર્ક હોવા છતાં અનેક વિસ્તારોમાં ગટરો ઊભરાય છે. ભૂખી કાંસમાં સતત ગંદુ પાણી વહે છે અને નિઝામપુરા APS રોજ ગટરનું પાણી છોડે છે. વધુમાં તેમણે કહ્યું, 220 ચો. કિમીનું પીવાના પાણીનું નેટવર્ક હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ઓછા દબાણે આવે છે. કેટલાક વિસ્તારોમાં તો પાણી પૂરું જ નથી પહોંચતું.
આ આક્ષેપો સામે ભાજપના કોર્પોરેટરો ભડક્યા અને જહા ભરવાડે નિવેદન પરત લેવું જોઈએ તેવી માંગ કરી હતી. સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ જવાબ આપ્યો કે, “શહેરમાં દરરોજ 75-100 ટેન્કરથી પાણી પૂરૂ પાડવામાં આવે છે, પણ આખા વડોદરામાં ટેન્કર રાજ છે એવું કહેવું ભ્રામક છે. અમુક વિસ્તારોમાં ઓછી દબાણથી પાણી આવવાની ફરિયાદો છે, જે માટે 50 કરોડનું ટેન્ડર ફાળવવામાં આવ્યું છે.” ભાજપ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ આક્ષેપને વડોદરાનું અપમાન ગણાવ્યું અને જહા ભરવાડને માફી માંગવા કહ્યું હતું.
શ્વેતા ઉત્તેકરે ગાયોના મુદ્દા પર ટિપ્પણી કરતા જણાવ્યું કે, “રખડતી ગાયો રસ્તાઓ પર લોકોને ઉડાડે છે. રસ્તો તમારા બાપનો છે એવા જવાબ કેટલાક લોકો આપે છે.”
બજેટ સભામાં ફરી અધિકારીઓના વર્તણૂકનો મુદ્દો ચર્ચાયો
અધિકારીઓની સમયાંતરે બદલી થવી જોઈએ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ સભામાં કોંગ્રેસ અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે તીખી ચર્ચાઓ જોવા મળી હતી. કોંગ્રેસના કોર્પોરેટર હરીશ પટેલે આક્ષેપ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલા અને ચાલુ વર્ષના વિકાસ કામોના દાવા ખોટા છે. હરીશ પટેલના જણાવ્યા પ્રમાણે, શહેરમાં 1200 કરોડના કામો માટે ચૂકવણી થઈ ચૂકી છે, જેમાંથી 600 કરોડ માત્ર આ વર્ષે ચૂકવવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદોને લોન આપીને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરાય છે, પરંતુ બીજી તરફ કોર્પોરેશનની દબાણ શાખા તેમની લારીઓ ઉઠાવી રહી છે. આથી, શહેરમાં તેમના માટે અલગથી જગ્યા ફાળવવી જોઈએ અને તેમને વિકસાવવા જોઈએ, જેથી નાના વેપારીઓ માટે એક સ્થિર વ્યવસ્થા ઉભી થાય.
હરીશ પટેલે વેરા વસુલાતની પ્રણાલિ પર પણ પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મોટી રકમ બાકી હોય તેવા લોકો સામે કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે સામાન્ય નાગરિકો સામે કડક વલણ અપનાવવામાં આવે છે. વધુમાં તેમણે સૂચન કર્યું કે, કોર્પોરેશનની માલિકીના ખાલી પડેલા પ્લોટ પર અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉભી થવી જોઈએ. તેમણે આગ્રહ કર્યો કે, 19 શાળાઓ એકસાથે બનાવીને તેનો ઉદ્ઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરાવવો જોઈએ. તેમણે અધિકારીઓની મનમાનીનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, લાંબા સમયથી એક જ જગ્યાએ રહેતા અધિકારીઓ પ્રજાના પ્રશ્નોને અવગણન કરી રહ્યા છે. આવા અધિકારીઓની સમયાંતરે બદલી થવી જોઈએ.
પૂર્વ મેયર અને ભાજપના કોર્પોરેટર નિલેશ રાઠોડે પણ અધિકારીઓના વર્તન પર પ્રહાર કરતા કહ્યું કે, “હવે તો અધિકારીઓ મોટા પોલિટિશ્યન બની ગયા છે.” તેમણે દાવો કર્યો કે, અધિકારીઓ કોર્પોરેટરોની રજૂઆતો સાંભળતા નથી અને તેઓ અંદરખાને કોર્પોરેટરો વચ્ચે ઝઘડા કરાવે છે. તેમણે આગ્રહ કર્યો કે, કમિશનરે દર મહિને કોર્પોરેટરો અને અધિકારીઓની સંયુક્ત બેઠક બોલાવી, જે-તે વિસ્તારમાંની રજૂઆતોનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ. તેમની આ વાત સાથે અન્ય કોર્પોરેટરો પણ સહમત થયા હતા.
આંગણવાડી અને શાળાઓ માટે વધુ આયોજનની જરૂર : સત્તા પક્ષના કોર્પોરેટરોની માંગ
વડોદરાની બજેટ સભામાં વોર્ડ નં 2ના સત્તાપક્ષના કોર્પોરેટર રશ્મિ વાઘેલાએ વિસ્તારના શૈક્ષણિક અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઉપર ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યું કે, “અમારા વિસ્તારમાં શાળા અને અર્બન હેલ્થ સેન્ટરની તાતી જરૂર છે. અહીંના રહીશો આ સુવિધાઓના અભાવે મુશ્કેલી અનુભવી રહ્યા છે.” તેમણે ખાસ કરીને આંગણવાડી વ્યવસ્થા સુધારવા પર ભાર આપ્યો. તેમણે સૂચવ્યું કે, “વિસ્તારમાં નાની ઉંમરના બાળકો માટે સગવડો વધવી જોઈએ. ગત વર્ષે 101 સ્માર્ટ આંગણવાડી બનાવી, છતાં હજુ પણ સંખ્યા ઓછિ છે. તેમજ, આંગણવાડીમાં આવતા બાળકોને અઠવાડિયામાં બે દિવસ ફળ મળવાની વ્યવસ્થા કરવી જોઈએ.” રશ્મિ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે હાલ પ્રિ-સ્કૂલમાં ફી વધારો થયો છે, જેના કારણે ઘણા માતા-પિતા માટે તેમના બાળકને પ્રાથમિક શિક્ષણ આપવું મુશ્કેલ બન્યું છે. “જો આંગણવાડીઓનો વિસ્તાર વધે અને વધુ સારી સુવિધાઓ મળે, તો સામાન્ય વર્ગના બાળકો માટે ભણતર સરળ થઈ શકે,” તેમ તેમણે કહ્યું હતું. સત્તાપક્ષના અન્ય કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટે ગયત્રીપુરા અને જલારામ નગરમાં આંગણવાડીઓ કન્ટેનરમાં ચાલી રહી છે તે મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, “આ પ્રકારની વ્યવસ્થાને સુધારવા માટે યોગ્ય પગલાં ભરવા જોઈએ.” તેમણે વધુમાં ગોત્રી અને ભાયલી વિસ્તારની શાળાઓ વિશે ચિંતાને વાચા આપી હતી. “આ વિસ્તારમાં પતરાંવાળી શાળાઓ ચાલી રહી છે, જેના કારણે ઉનાળાની ગરમીમાં બાળકોને ભારે તકલીફ પડે છે. આ સમસ્યાને હલ કરવા તંત્રએ પગલાં ભરવા જોઈએ,” તેમ તેમણે જણાવ્યું હતું.
મારા વોર્ડના બે કામ ઓછા થશે તો ચાલશે, પણ ભૂખી કાંસની અધૂરી કામગીરી પૂર્ણ કરો : મહાવીરસિંહ
વડોદરામાં 2024ના જુલાઈ-ઓગસ્ટ મહિનામાં ત્રણ વખત પૂર આવ્યું, જેનાથી શહેરના લોકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું અને શહેરીવાસીઓએ ભારે તકલીફો સહન કરી. સત્તા પક્ષના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતે બજેટ સભામાં શહેરના પૂર સામે સરકારના પ્રયાસો અને આગામી પગલાં અંગે મહત્વના મુદ્દા ઉઠાવ્યા હતા. પૂરપ્રભાવિત વિસ્તારોની તાત્કાલિક રાહત માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ શહેરની મુલાકાત લઈ 1200 કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વિશ્વામિત્રી પુર નિવારણ સમિતિ રચવામાં આવી, જેમાં બાબુભાઈ નવલાવાલાની અધ્યક્ષતા હેઠળ પરિસ્થિતિનો સંપૂર્ણ અભ્યાસ કરીને એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. કોર્પોરેટર મહાવીરસિંહે કહ્યું કે પ્રોજેક્ટ શરૂ થતી વખતે 100 દિવસમાં પૂર નિવારણનું કામ પૂરું કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે માત્ર 70 દિવસ બાકી છે, અને હજી કામ પૂરું થવાનું દેખાતું નથી. તેમણે મેયર અને મ્યુનિસિપલ કમિશનરને ચેતવણી આપી કે જો ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ નહીં થાય, તો લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપશે. તેમણે વધુમાં ઉમેર્યું, “જો ફરી પૂરની પરિસ્થિતિ સર્જાય, તો હું કંઈપણ સહન કરીશ નહીં. મારા વોર્ડના બે કામ ઓછા કરવામાં આવે તો ચાલશે, પણ ભૂખી કાંસની અધૂરી કામગીરીથી નાગરિકોને નુકસાન ન થાય.”
ચોમાસા પહેલા કામ પૂર્ણ કરો નહિ તો ‘ડાન્સિંગ રોડ’ ના સમાચાર વહેતા થશે
ભાજપના કોર્પોરેટર સ્મિત પટેલે તેમના વોર્ડમાં મંજૂર થયેલા રોડ વિશે વાત કરતા કહ્યું, આ રોડ થોડો લંબાવી દેવામાં આવે અને ચોમાસા પહેલા પૂર્ણ કરી દેવામાં આવે જેથી ‘ડાન્સિંગ રોડ’ જેવા નકારાત્મક સમાચારો ન આવે. સાથે જ તેમણે આ વર્ષે ચોમાસા દરમિયાન અટલાદરા અને પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે જરૂરી પગલાં લેવાની માગ કરી હતી.
