સીબીએસઈએ એડવાઈઝરી જાહેર કરી સ્કૂલોને, વાલીઓને ચેતવા નિર્દેશ આપ્યા :
નકલી પુસ્તકો શિક્ષણમાં મૂંઝવણ અને ગેરસમજ પેદા કરી શકે તેથી, બોર્ડે આ નિર્દેશનું કડક પાલન કરવા અનુરોધ કર્યો :
( પ્રતિનિધી )વડોદરા,તા.15
બજારમાં નકલી એનસીઈઆરટી પુસ્તકો વેચાઈ રહ્યા હોઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે સ્કૂલોને આવા નકલી પુસ્તકોથી સાવધાન રહેવા એડવાઈઝરી જારી કરી ધ્યાન દોર્યું છે. કારણ કે આવા નકલી પુસ્તકો વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન પહોંચાડી શકે છે. સીબીએસઈને ફરિયાદો મળી છે કે કેટલાક અનધિકૃત દુકાનદાર અને વિક્રેતાઓ નકલી એનસીઈઆરટી પુસ્તકો વેચી રહ્યા છે. આ પુસ્તકો ઘણીવાર ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે, પરંતુ તેમાં ઘણી સમસ્યાઓ હોય છે.
સીબીએસઈને બજારમાં કેટલાક વેપારીઓ એનસીઈઆરટીના નકલી પુસ્તકોનું વેચાણ કરી રહ્યા હોવાની ફરિયાદ મળી છે. નકલી પુસ્તકમાં કાગળ અને પ્રિન્ટની ખરાબ ગુણવત્તા, ખોટી પ્રિન્ટિંગ, વિષય-વસ્તુમાં ખામી તો ઘણી જગ્યાએ ખોટી અથવા તો અધૂરી જાણકારી હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે, સીબીએસઈ બોર્ડે કહ્યું છે કે, આવા પુસ્તકો વિદ્યાર્થીઓના અભ્યાસને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સ્કૂલોને આ અંગે તાત્કાલિક સતર્ક થવાની જરૂર છે. વધુમાં તમામ સ્કૂલના પ્રમુખોને સલાહ આપી છે કે તમે વાલીઓને માત્ર અસલી અને અધિકૃત એનસીઈઆરટી પુસ્તકો જ ખરીદવા જણાવો. જો સ્કૂલો પોતે પુસ્તકો મંગાવે તો તે માત્ર અધિકૃત સ્રોતો પરથી જ મંગાવો. આ સલાહને શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે વ્યાપકપણે શેર કરો. જ્યારે અસલી એનસીઈઆરટી પુસ્તકો માટે સીબીએસઈ એ ચાર અધિકૃત માધ્યમ જણાવ્યા છે. જ્યાંથી અસલી પુસ્તકો સરળતાથી ખરીદી શકાય છે. શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે અસલી પુસ્તકોનો ઉપયોગ સુનિશ્ચિત કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. નકલી પુસ્તકો શિક્ષણમાં મૂંઝવણ અને ગેરસમજ પેદા કરી શકે છે. તેથી, બોર્ડે આ નિર્દેશનું કડક પાલન કરવા કહ્યું છે.