સ્થાયી સમિતિની બેઠકમાં 11 કામોની દરખાસ્તમાં 10 મંજૂર, એક મુલતવી
બંદિશ શાહની રજૂઆત પર સયાજી બાગ પ્રવેશ દ્વારનું કામ મુલતવી
શહેરમાં રોડ રસ્તા, ગટર જેવા પ્રાથમિક કામોને અગ્રીમતા આપી સયાજી બાગનું કામ નામંજૂર કરવા સભ્યોએ માંગ કરી હતી
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે શુક્રવારે સ્થાયી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં 11 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેમાંથી 10 કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે એક કામ મુલતવી રાખવામાં આવ્યું છે.
માહિતી અનુસાર, સયાજી બાગ ખાતે પ્રવેશદ્વાર વિકસાવવાનું કામ મુલતવી કરવામાં આવ્યું છે. આ કામની ચર્ચા દરમિયાન સ્થાયી સભ્ય બંદિશ શાહે જણાવ્યું કે, હાલ આ કામ કરવાની કોઈ તાત્કાલિક જરૂરિયાત નથી. તેમણે જણાવ્યું કે, શહેરમાં અત્યારે રોડ, રસ્તા અને ડ્રેનેજ જેવા પ્રાથમિક કામોને મહત્વ આપવું જોઈએ. બીજા સભ્યોએ પણ તેમની વાતને સહમતિ આપી, ખાસ કરીને હાલની સ્થિતિમાં વાહન ચાલકોને સરળ માર્ગ સુવિધા મળે તે માટે ડ્રેનેજ અને રસ્તા મરામત જરૂરી છે. સભ્યોએ પ્રથમ આ કામ નામંજૂર કરવાનું સૂચવ્યું હતું. જો કે, ચર્ચા બાદ આ કામને સ્થાયી સમિતિએ મુલતવી રાખવાની નિર્ણય લીધો. જોકે, અન્ય જરૂરી કામોને મંજૂરી આપવામાં આવી છે.
પૂર્વ ઝોનમાં વરસાદી ગટર અને ડ્રેનેજ સુધારવાના કામને પણ મંજૂરી આપવામાં આવી છે. શહેરના નાગરવાડા વિસ્તારમાં બહુચરાજી ખાડી બ્રિજને પહોળો કરવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી છે. આ કામગીરી બાદ વાહન વ્યવહાર માટે વધુ સુવિધા અને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે તેવી અપેક્ષા છે. વધુમાં જનસંપર્ક વિભાગની આવેલી વધારાની દરખાસ્તને પણ મંજૂર કરી દેવામાં આવી છે. રોડ પ્રોજકેટની દરખાસ્તમાં જે ભાવ ટેન્ડરમાં મંજૂર થયા છે એ જ ભાવે ઇજારદારને 50 લાખની મર્યાદામાં કામગીરી કરાવવાનું ઠરાવવામાં આવ્યું છે.