Vadodara

બંદિશ શાહના રાજકીય નાટકથી ખટંબા શેડ પ્રોજેક્ટ મોંઘો અને મોડો, નાગરિકોને સહન કરવો પડ્યો ત્રાસ!

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ખટંબા ખાતે શેડ બનાવવા માટે 7.53 કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. આ પ્રોજેક્ટ, જે આજે સક્રિય બન્યો છે, તે દોઢ વર્ષ પહેલાંથી પ્રસ્તાવિત હતો, પણ રાજકીય વિલંબને કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિમાં આ દરખાસ્ત દોઢ વર્ષ પહેલાં રજૂ કરાઈ હતી, પરંતુ સ્થાયી સભ્ય બંદિશ શાહ દ્વારા વારંવાર વિરોધ કરવામાં આવતા મુલતવી રાખવામાં આવ્યો હતો. જે તે સમયે વિરોધ કરતા તેમણે કારણ આપ્યું હતું કે તેઓ સ્વતંત્ર ડિઝાઇન આપી સસ્તા દરે આ પ્રોજેક્ટ પૂર્ણ કરાવશે. જોકે, તેમની આ દલીલ માત્ર હવામાં જ સીમિત રહી, અને અંતે જ્યારે પ્રોજેક્ટ મંજૂર થયો, ત્યારે તે પહેલાં કરતાં વધુ ખર્ચાળ નિવડ્યો છે. હવે, જ્યારે આ શેડ માટે અંતિમ મંજૂરી મળી ગઈ છે, ત્યારે પણ કામ પૂર્ણ થવામાં 9 મહિના જેટલો સમય લાગી શકે છે. એકતરફ શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ છે ત્યારે આવા વિલંબના પરિણામે શહેરમાં નાગરિકોને સમસ્યા હાલાકીનો સામનો કરવો પડે છે. જો આ કામ સમયસર શરૂ થયું હોત, તો ઘણી સ્થિતિ ટાળી શકાય તેમ હતું.
આ ઘટનાએ એ સાબિત કર્યું છે કે કેટલાંક નેતાઓના રાજકીય નિર્ણયો સામાન્ય નાગરિકોના હિતને અસર પહોંચાડે છે. જો બંદિશ શાહ આ પ્રોજેક્ટમાં વારંવાર અવરોધો ઉભા ન કર્યા હોત, તો આજે શહેરના નાગરિકો રખડતાં ઢોરના ત્રાસથી મુખ્યત્વે મુક્ત હોત. વડોદરા શહેરમાં આવા રાજકીય વિલંબો આગામી પ્રોજેક્ટ્સ માટે એક શીખ સમાન છે. મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું નેતાઓના અંગત હિતો નાગરિક સુખાકારી કરતાં વિશેષ છે? જો પ્રજાજનોને સુખ-સગવડ પુરી પાડવાની વાસ્તવિક ઈચ્છા હોય, તો આવાં વિલંબ અને અયોગ્ય રાજકીય હસ્તક્ષેપ અટકાવવો પડશે.

Most Popular

To Top