Vadodara

ફ્લેટ બુકિંગના બહાને ઠગાઈ: વડોદરામાં બિલ્ડર સામે ફરિયાદ

દિયર-ભાભીના ફ્લેટ વધુ કિંમતે અન્યને વેચી દીધા, લાખો રૂપિયાની છેતરપિંડી
₹15.20 લાખ પરત ન આપતા મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
વડોદરા, તા. 18:
વડોદરાના તરસાલી વિસ્તારમાં “સમર્પણ ડેવલોપર્સ” દ્વારા લોન્ચ કરાયેલી ફ્લેટ સ્કીમમાં છેતરપિંડી નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બિલ્ડર જતીન શાંતિલાલ પંચોલી પર ફ્લેટ બુકિંગના બહાને લાખો રૂપિયા વસૂલ કરીને તે જ ફ્લેટ અન્ય વ્યક્તિને વધુ કિંમતે વેચી દેવાનો આરોપ લાગ્યો છે.
ફરિયાદી સંદીપ સોમાભાઈ પટેલ (રહે. માંજલપુર) મુજબ, વર્ષ 2021 દરમિયાન તેમણે સમર્પણ ફ્લેટ સ્કીમમાં રૂ. 8.50 લાખમાં ફ્લેટનો સોદો કર્યો હતો. જેમાંથી રૂ. 5 લાખ આરટીજીએસ દ્વારા એડવાન્સ ચૂકવ્યા હતા અને બાનાખત પણ સબ-રજિસ્ટ્રાર કચેરીમાં કરવામાં આવ્યું હતું. જોકે બાદમાં તબિયત ખરાબ રહેતા તેઓ સારવાર હેઠળ હતા ત્યારે ડેવલોપરે તેમની મંજૂરી વિના બાનાખત રદ કરીને તે જ ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો હતો.
માત્ર એટલું જ નહીં, સંદીપભાઈના નાના ભાઈની પત્ની ભાવિશાબેન પાસેથી પણ ફ્લેટ બુકિંગના નામે આશરે રૂ. 14.45 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમનું બાનાખત પણ રદ કરીને ફ્લેટ અન્યને વેચી દેવામાં આવ્યો હતો.
આ રીતે બિલ્ડર દ્વારા ભાભી અને દિયર પાસેથી મળીને અંદાજે રૂ. 15.20 લાખની રકમ લઈ હોવા છતાં ફ્લેટ ન આપતા અને રૂપિયા પરત ન કરતા બંનેએ ઠગાઈનો ભોગ બન્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે સંદીપભાઈ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જતીન પંચોલી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા એક જ સ્કીમના ફ્લેટો અનેક લોકોને વેચ્યા હોવાની આશંકા પણ સામે આવી રહી છે.
પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top