6 ફૂટના મહાકાય મગરનું ભારે જહેમતે રેસ્ક્યુ કરાયું :
સ્થાનિક રહીશ મોર્નિંગ વોકમાં નીકળતા મગર નજરે પડ્યો



( પ્રતિનિધી )વડોદરા,તા.28
વડોદરા શહેરના પ્રિયા સિનેમા રોડ ભાયલી વિસ્તારના રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં મગર આવી ગયો હોવાનો કોલ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને મળતા આશરે છ ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરીને વન વિભાગને હવાલે કરવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં ગત રાત્રે કમોસમી વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદ પડતાની સાથે જ શહેરમાં સરીસૃપો અને મગરો રહેણાંક વિસ્તારમાં આવી જતા હોવાના કિસ્સાઓ નોંધાયા છે, ત્યારે આજે સવારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને કોલ મળ્યો હતો કે અશ્વમેઘ એવન્યુ, કબીર રોડ પ્રિયા સિનેમા પાસે એક મગર સોસાયટીમાં આવી ગયો છે. જે કોલ મળતા જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સ્થળ પર પહોચી હતી. જ્યાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં કાર નીચે મગર જોવા મળ્યો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વનવિભાગની ટીમે આશરે 6 ફૂટ લાંબા મગરને સાવચેતી સાથે ભારે જહેમતે પકડીને વન વિભાગ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો.