Vadodara

ફ્યુચરિસ્ટિક સેલમાં જતન બધેકા માટે એનર્જી એફિસિયન્સી સેલના કામ ગોઠવાયા

સિવિલની સાથે ઇલેક્ટ્રિક ઇજનેરને યથાવત રાખવા માટે ખાસ આયોજન કરાયુ

કમિશનર અધ્યક્ષતાની બેઠકમાં ફ્યુચરિસ્ટિક સેલ માટે નવા નિર્ણયો લેવાયા, હેરિટેજ સેલ અને બિલ્ડીંગ પ્રોજેક્ટ વિભાગો સંકલનમાં રહી કામ કરશે

વડોદરા મહાનગરપાલિકાની આજે યોજાયેલી રિવ્યૂ બેઠકમાં ફ્યુચરિસ્ટિક સેલ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે. નાયબ કાર્યપાલક ઇજનેર જતન બધેકાને હટાવવાના બદલે હવે એનર્જી એફિસિયન્સી સેલના કામો પણ ફ્યુચરિસ્ટિક સેલમાંથી જ કરવામાં આવશે. આ નિર્ણયથી જતન બધેકાને સેલમાં જ ચાલુ રાખવા માટે કામ ગોઠવાયા છે. ચર્ચા એવી પણ છે કે પાણી પુરવઠા વિભાગમાં ઇલેક્ટ્રિક ઇજનેર તરીકે રહી ચૂકેલા જતન બધેકાએ કોઈ ખાસ કામગીરી કરી નથી, તેમ છતાં હવે તેમની જવાબદારી ફ્યુચરિસ્ટિક સેલમાં ઉભી કરવામાં આવી છે. સાથે જ ફ્યુચરિસ્ટિક સેલમાં અન્ય સિવિલ ઇજનેરોની પણ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિમણૂક કરવામાં આવશે. કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાયેલી રિવ્યૂ બેઠકમાં આ મુદ્દા પર અંતિમ નિર્ણય લેવાયો છે. વધુમાં હેરિટેજ સેલ અને બિલ્ડીંગ પ્રોજેક્ટ વિભાગો હવે સંકલનમાં રહીને સાથે કામગીરી કરશે તેવું નક્કી કરાયું છે.

આજની બેઠકમાં શહેરના વિકાસ અને જાળવણી સંબંધિત અનેક મુદ્દાઓની સમીક્ષા કરાઈ હતી. જેમાં શહેરના દરેક ગાર્ડનમાં નાગરિકો નિયમિત યોગા કરી શકે તે માટે શેડ સાથેની વ્યવસ્થા કરવી, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમને વધુ અસરકારક બનાવવા, થીમ આધારિત ગાર્ડન તૈયાર કરવા, શહેરના તમામ બ્રિજની આસપાસ સફાઈ, દબાણ દૂર કરાવવાની અને પેઇન્ટિંગ કરાવવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ રી-યુઝ વોટર પોલીસીનો વધુ અમલ કરવો, તમામ માર્ગો પર યુદ્ધના ધોરણે પેચવર્ક અને રીકાર્પેટિંગ કરવા, ફૂટપાથ પરના દબાણો દૂર કરી મરામત કરવી, ઇ-બસ માટે ચાર્જિંગ સ્ટેશનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવી, તમામ સ્વિમિંગ પુલોમાં સિવિલ વર્ક ઝડપથી પૂરું કરવું, સ્ટ્રીટ વેન્ડર પોલીસી અને પાર્કિંગ પોલીસી માટે ઝડપી કામગીરી કરવી, તેમજ સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ, પીવાના પાણી અને નિર્માણાધીન ઇમારતો સંબંધિત કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાના સૂચનો કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top