Vadodara

ફોરેક્સ ટ્રેડિંગના નામે આસિસ્ટન્ટ મેનેજર સાથે ₹19.86 લાખની ઠગાઈ

બોગસ વેબસાઇટમાં પ્રોફિટ બતાવી વિશ્વાસ કેળવ્યો, માત્ર ₹14 હજાર પરત આપ્યા
(પ્રતિનિધિ) વડોદરા, તા. 11
હાલોલ ખાતે ખાનગી કેમિકલ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા યુવક સાથે ફોરેક્સ ટ્રેડિંગમાં વધુ વળતર મળશે તેવી લાલચ આપી રૂ. 19.86 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પીડિતે વડોદરા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના દિવાળીપુરા રોડ સ્થિત પરીચયપાર્ક સોસાયટીમાં રહેતા કશ્યપભાઈ હર્ષદભાઈ પંચાલે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત ઓક્ટોબર મહિનામાં તેમના મોબાઈલ પર એક સોશિયલ મીડિયા આઈડી પરથી મેસેજ આવ્યો હતો. સામેની મહિલાએ પોતાનું નામ રચના સુબ્રમનિયમ જણાવ્યું હતું અને અગાઉ કંપનીમાં મુલાકાત દરમિયાન ઓળખાણ હોવાનું કહી વિશ્વાસ કેળવ્યો હતો.
ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી તેણે એક લિંક મોકલી હતી, જેમાં બોગસ વેબસાઇટ પર ડમી એકાઉન્ટ ખોલાવી પીડિત પાસેથી ફોટાવાળી આઈડી પ્રુફ, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ વિગતો મેળવી લેવામાં આવી હતી. શરૂઆતમાં વિશ્વાસ વધારવા માટે રૂ. 21 હજાર રોકાણ કરાવ્યા બાદ વેબસાઇટ પર રકમ નફા સાથે દર્શાવવામાં આવી હતી તેમજ બે વખત નાની રકમ ઉપાડવાની સુવિધા આપી હતી.
આ રીતે વિશ્વાસમાં લઈ આરોપીઓએ વિવિધ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ. 19.86 લાખ ટ્રાન્સફર કરાવ્યા, જ્યારે વેબસાઇટ પર રોકાણની રકમ નફા સાથે રૂ. 29.21 લાખ દર્શાવવામાં આવી હતી. જોકે, પીડિતને માત્ર રૂ. 14 હજાર જ ઉપાડી આપવામાં આવ્યા હતા અને બાકી રૂ. 19.71 લાખ પરત ન આપતા ઠગાઈનો ભાંડો ફૂટ્યો હતો.
ફરિયાદના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી ભેજાબાજોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top