મહિલા યાત્રીઓ સામે પણ બેફામ વાણી વિલાસ કરી વર્દીનો રોફ ઝાડ્યો, તાત્કાલિક બદલી કરવાની માગ ઊઠી
પ્રતિનિધિ વડોદરા
સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારીની અમાસ ભરવા આવતા યાત્રાળુઓ સાથે કરનાળી પીએસઆઈ ધનાભાઈ ભાદરકા બેહુદુ વર્તન કરતા હોવાની ફરીયાદો ઉઠી છે. આ પીએસઆઈએ પોતાની વર્દીનો રોફ બતાવી કેટલાક મહિલા યાત્રાળુઓને પણ પરેશાન કર્યા હતા. આ પીએસઆઈ સામે તાત્કાલિક પગલાં ભરવાની માગણી ઉઠી છે.
દર અમાસે ડભોઇ તાલુકાના પવિત્ર યાત્રાધામ કુબેર ભંડારીનાં દર્શને હજારો લોકો આવે છે. આ શ્રદ્ધાળુઓ સારી રીતે દર્શન કરી શકે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે જોવાની જવાબદારી કરનાળીનાં પીએસઆઈ ધનાભાઇ ભાદરકાની છે. પરંતુ આ પીએસઆઈ પોતાની ફરજને ભૂલીને શુક્રવારે વર્દીના અભિમાનમાં ભાન ભૂલ્યા હતા. આ ફોજદારે કેટલાક મહિલા યાત્રાળુઓ સાથે બેફામ વાણી વિલાસ કર્યો હતો. પોતાના માનીતા લોકોને સીધા પ્રવેશ આપતા આ ફોજદારે પોતાની ફરજ માટે આવેલા પત્રકારો સાથે પણ તુમાખીભર્યું વર્તન કર્યું હતું.
આ ફોજદાર સામે અગાઉ પણ મનસ્વી વર્તાવની ફરીયાદો ઉઠી છે. જ્યાં લાખોની સંખ્યામાં યાત્રાળુ આવતા હોય તેવા આ પોલીસ સ્ટેશનમાં કોઈ ઠરેલા અધિકારીને મૂકવાની અને આ માથાભારે ફોજદારની તાત્કાલિક બદલી કરવાની માગ ઊઠી છે.