રક્ષાબંધન પૂર્વે ફૂડ વિભાગે શહેરમાં 6 યુનિટનું ઇન્સપેક્શન કર્યું, 10 નમૂના લેવાયા
10 ફૂડ વર્કર્સને શિડ્યુલ 4 મુજબ સફાઈ અને સ્વચ્છતા જાળવવા અંગેની માહિતી અને માર્ગદર્શન અપાયું

રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ બિઝનેસ ઓપરેટરોના ખાદ્યપદાર્થના યુનિટ્સનું ઇન્સપેક્શન કર્યું હતું. કુલ 6 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી અને વિવિધ પ્રકારના ખાદ્યપદાર્થોના 10 નમૂના લેવાયા હતા. મહાનગરપાલિકા દ્વારા 2 સ્થળોએ સામાન્ય ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું, જ્યારે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ નામની મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા 45 જેટલા ખાદ્ય નમૂનાઓનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ એ 45 ખાદ્ય નમૂનાઓનું પરિમાણ શું આવ્યું તે જાહેર કરાયું નહીં. સાથે જ આશરે 10 રેસ્ટોરન્ટના વેન્ડર્સ અને વર્કર્સને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિભાગે જે સ્થળે તપાસ કરી તેમાં વાઘોડિયા રોડ પર આવેલી ‘પ્રથમ સ્વીટ એન્ડ ફરસાણ’ દુકાનમાંથી કેસરી પેંડા, કેસરી બરફી, સાબુદાણા વડા, ફરાળી પાત્રા, કોપરા પેટીસ, કાજુવડા અને કટલેસના નમૂનાઓ લેવામાં આવ્યા.

ગોરવા વિસ્તારમાં આવેલા ‘મયુર સ્વીટ એન્ડ ફરસાણ’ના ઉત્પાદન કેન્દ્રમાંથી કાજુકતરી (સિલ્વર લીફ સાથે)નો નમૂનો લેવાયો. અલકાપુરી વિસ્તારની ‘રીન્કી ફૂડ પ્રોડક્ટ્સ’ દુકાનમાંથી કેસરી પેંડાનો નમૂનો લેવામાં આવ્યો હતો. રાવપુરામાં આવેલી ‘મેસર્સ દુલીરામ રતનલાલ શર્મા’માંથી કેસરી કાજુકતરી (સિલ્વર લીફ સાથે)નો નમૂનો લેવામાં આવ્યો હતો. તેમજ હરણી રોડના ‘તૃપ્તિ રેસ્ટોરન્ટ’ અને ભવનગરી ફાફડા રિટેલરનું પણ ઇન્સપેક્શન કરાયું હતું. ભાયલી વિસ્તારના ‘ફૂડ કેફસ્ટલ’ રેસ્ટોરન્ટમાં મોબાઈલ વાન દ્વારા મરચું પાવડર, તેલ, લીલી ચટણી, પીઝા સોસ, ચીઝ, પનીર સહિત વિવિધ ખાદ્યપદાર્થોનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ટેસ્ટિંગનું પરિણામ શું આવ્યું તે ફૂડ વિભાગ દ્વારા જાહેર કરાયું નથી. આ દરમિયાન 10 જેટલા ફૂડ વર્કર્સને ‘શિડ્યુલ 4’ મુજબ સફાઈ અને સ્વચ્છતા જાળવવા અંગેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.