Vadodara

ફૂગવાળી મીઠાઇ વેચનાર લક્ષ્મી ફરસાણને ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ફરી ચેકીંગ

સ્વચ્છતાને લઇને જાગૃત નહીં થતા નિયમ મુજબ શિડ્યુલ 4ની નોટીસ અપાઈ
(પ્રતિનિધી) વડોદરા, તા.7
વડોદરા મહાનગરપાલિકાથી માંડ 100 ફૂટ દૂર આવેલી ફરસાણની દુકાનમાંથી ફુગ વાળી મીઠાઈ મળ્યા બાદ આજે આરોગ્ય અને ખોરાક શાખાએ ફરી દુકાનમાં રેડ કરી હતી. શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી લક્ષ્મી ફરસાણમાં બે દિવસ પહેલા ફૂગ વાળી મીઠાઈ મળી આવી હતી. જે તે સમયે પાલિકાના આરોગ્ય વિભાગ નોટિસ આપવા સાથે મીઠાઈનો નાશ કર્યો હતો.
આ દરમિયાન આજે ફરી પાલિકાની આરોગ્ય અને ખોરાક શાખાએ ફરિયાદ કરનાર હસમુખ પરમાર સાથે રાખી દુકાનનું ચેકિંગ કર્યું હતું.
મીઠાઈ અને ફરસાણના સેમ્પલ લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. આ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા જે તે કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી તરફ આરોગ્ય વિભાગના દરોડા થી આસપાસની દુકાનોમાં પણ ભારે ફાફડાટ ફેલાયો હતો.
ફરિયાદી હસમુખ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા બે દિવસ પહેલા થયેલી ફરિયાદ બાદ પણ આજે દુકાનમાં ગંદકી જોવા મળી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બે દિવસ લક્ષ્મી ફરસાણમાંથી બાલુંશાહી નામની મેં મીઠાઈ લીધી હતી અને સવારે ભગવાનને ભોગ ચડાવવા માટે મીઠાઈનું બોક્સ ખોલતા મીઠાઈમાં ફંગસ જોવા મળી હતી. આ જોતા જ પાલિકા આરોગ્ય શાખામાં ફરિયાદ કરી હતી અને અધિકારીએ સ્થળ પર આવી લક્ષ્મી ફરસાણના નામની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યા બાદ ગંદકી દેખાતા ફરસાણની દુકાનના માલિકને નોટિસ ફટકારી હતી.
પરંતુ આજે પણ મીઠાઈમાં ફંગસ હોવાની ફરિયાદ આવી હતી જેના કારણે આજરોજ ફરી લક્ષ્મી ફરસાણ નામની દુકાનમાં અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે દુકાનની અંદરની સાઈડે ખૂબ જ ગંદકી જોવા મળી હતી. ખોરાક શાખાએ ફરસાણ તેમજ મીઠાઈના સેમ્પલો લીધા છે, જે લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવશે તેના પરિણામ આવ્યા બાદ દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી અધિકારીઓએ આપી હતી.
જોકે દુકાનદારનું કહેવું છે કે બાલુશાહીમાં ફૂગની ઘટના તેમણે સ્વીકાર કરી છે જ્યારે ગંદકીના આક્ષેપોનું તેઓએ ખંડન કર્યું છે.

Most Popular

To Top