Vadodara

ફુગવાળી કેકની ફરિયાદ બાદ વડોદરાના સંતુષ્ટી પાર્લર પર આરોગ્ય વિભાગનું ચેકિંગ


કેક સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા

વડોદરા: ​શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ જાણીતા સંતુષ્ટી પાર્લરમાં વેચાયેલી કેક અખાદ્ય હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ આજે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો. ગ્રાહકે સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કર્યા બાદ આ ફરિયાદ પાલિકા સુધી પહોંચી હતી, જેના પગલે આરોગ્ય વિભાગની ટીમે પાર્લર ખાતે પહોંચીને કેક સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કારેલીબાગ સ્થિત સંતુષ્ટી પાર્લર ખાતેથી એક ગ્રાહકે કેક ખરીદી હતી. જોકે, આ કેક અખાદ્ય જણાતા ગ્રાહકે પોતાની નારાજગી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. આ બાબતની જાણ થતા જ પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું.
અધિક આરોગ્ય અમલદાર ડૉ. મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ ફૂડ ઇન્સ્પેક્ટરની એક ટીમ આજે તાત્કાલિક કારેલીબાગ સ્થિત સંતુષ્ટી પાર્લર ખાતે પહોંચી હતી. અખાદ્ય ખાદ્ય સામગ્રી અંગેની ગંભીર ફરિયાદના આધારે ટીમે પાર્લરમાં વેચાતા કેક સહિતના અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના એકત્ર કર્યા હતા.
આ તમામ સેમ્પલને પૃથ્થકરણ અર્થે ફતેગંજ સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને પાર્લર વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. આરોગ્ય વિભાગના આ ચેકિંગથી ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top