આપ, વડોદરાના પ્રમુખ દ્વારા આગામી દિવસોમાં સમગ્ર મામલે ઉગ્ર કાર્યક્રમ ની ચિમકી

(પ્રતિનિધિ) વડોદરા તા. 08
વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં રૂ.3.17 કરોડના સાધનોની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવતા સમગ્ર મામલે વડોદરા મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તાત્કાલિક નિર્ણય લઇ ત્રણ અધિકારીઓ ને સસ્પેન્ડ કરાયા હતા ત્યારે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાએ આ મામલે તટસ્થ તપાસ માટે રિટાયર જજ સાથે જ SIT દ્વારા તપાસ હાથ ધરવાની અને જવાબદાર લોકોના નામો ઉજાગર કરી સખત કાર્યવાહી ની માંગ કરી છે.
વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના મામલે ખુલાસો થયા બાદ હોબાળો મચી જવા પામ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કડક પગલા લેતા ત્રણ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને પૂર્વ HOD ડો. દેવેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે. ખરીદવામાં આવેલા સાધનોનું બજાર દર કરતાં દશથી બાર ગણું વધુ ભાવે બિલ ભરાયું હોવાનું સામે આવ્યું છે. રૂ300 ની સિટી રૂ. 3000 ની ખરીદાઇ છે તદ્પરાંત અન્ય સાધનમા પણ આ રીતે જ ખરીદી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છેજેમાં ફાયર સેફ્ટી માટેના અનેક સાધનોનો સમાવેશ છે. તાજેતરમાં માર્ચ મહિનાના મધ્યમાં આ ટેન્ડર માટે સ્ક્રુટીની કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક સિટી ઇજનેરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સમગ્ર મામલે અત્યારસુધી માત્ર ત્રણ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે સ્ક્રુટીની કમિટીમાં સમાવિષ્ટ સભ્યોમાંથી ત્રણ સભ્યો પોતે જ ભ્રષ્ટાચારની તપાસ માટે રચાયેલી કમિટીના સભ્ય તરીકે પણ નિમાયેલા હતા. જેના કારણે લોકચર્ચામા સવાલ ઊઠી રહ્યા છે કે સ્ક્રુટીની કમિટીના બાકીના સભ્યો સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરાઈ? શું માત્ર ત્રણ અધિકારીઓ જ જવાબદાર હતા? આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાએ સમગ્ર મામલે નિવૃત્ત જજ અને SIT રચી તપાસની માંગ કરી છે સાથે જ આના માટે જવાબદાર અધિકારીઓની સંડોવણી હોય તેઓના નામો ઉજાગર કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની માંગણી કરી છે. સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી ની નીતિ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની આ રમત હોય છે આ તો સમગ્ર મામલો ઉજાગર થયો એટલે નહિતર ‘તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ” આ નીતિ ભાજપની રહી છે.આ ત્રણ અધિકારીઓ તો માત્ર પ્યાદા છે જેઓને જાહેરમાં તો સસ્પેન્ડ કરાયા છે પરંતુ પંદર દિવસ કે પછી એકાદ મહિના બાદ ફરીથી તેઓને પોસ્ટીગ આપી દેવામાં આવશે કારણ કે તપાસ પણ આ જ વિભાગને સોંપવામાં આવી હતી.આ તમામ ભ્રષ્ટાચાર ભાજપ અને પાલિકાના મિલીભગતથી જ થયું હોય આ મામલે તટસ્થ તપાસ જરૂરી છે.આમ આદમી પાર્ટી, વડોદરા આ મામલે જ્યાં સુધી જવાબદારોના નામો બહાર નહીં આવે અને તેઓને યોગ્ય દંડ સાથે સજા નહીં થાય ત્યાં સુધી ચૂપ નહીં બેસે સમગ્ર મામલે જરુરી કાર્યક્રમ યોજવામાં આવશે.