કલાકો સુધી ફાટક બંધ રાખતા ટ્રાફિકજામની વિકટ સમસ્યા
બોર્ડ પરીક્ષાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ખેડૂતો ભારે હાલાકીમાં
(પ્રતિનિધિ) વડોદરા | તા. 1
વડોદરા શહેર નજીક આવેલા કરચિયા ગામમાં ફાટક નંબર 241 ગ્રામજનો માટે મોટી સમસ્યા બની ગયો છે. કલાકો સુધી રેલવે ફાટક બંધ રાખવામાં આવતા ભારે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, જેના કારણે બાળકો, બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાનો વારંવાર રજૂઆત છતાં ઉકેલ ન આવતા આજે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.

20 મિનિટે ફાટક ખોલવાની સંમતિ, હકીકતમાં કલાકો સુધી બંધ
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, અગાઉ પંચાયતની રજૂઆત બાદ મહિલા અધિકારીની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ફાટકને દર 20–25 મિનિટે ખોલવાની અને નીચે આવેલા ગરનાળાનું ડીવોટરિંગ કરવાની લેખિત સંમતિ આપવામાં આવી હતી. આ બેઠકમાં રેલવે અધિકારી, ડીએમ અધિકારી, બાજવા, કરચિયાના સરપંચ અને તલાટી હાજર રહ્યા હતા.
પરંતુ આજે સ્થિતિ એવી છે કે ફાટક એકથી સવા કલાક સુધી બંધ રાખવામાં આવે છે, ન તો સાફ-સફાઈ કરવામાં આવી છે અને ન તો નક્કી કરાયેલા નિયમોનું પાલન થાય છે.

બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે બાજવા, દશરથ અને કરચિયા વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. નોકરિયાત વર્ગને એકથી દોઢ કલાક સુધી મોડું થવું પડે છે, તો કેટલાકને લાંબા રસ્તે વળાંક લઈને જવું પડે છે.

ઉપરાંત રણોલી બ્રિજ બંધ અને મીની નદી બ્રિજ પર કામ ચાલતું હોવાથી તમામ ભારે વાહનો કરચિયા તરફ ડાયવર્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે પહેલેથી જ ટ્રાફિકથી ભરેલા વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની છે.
ઉગ્ર આંદોલનની ચીમકી
ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો વહેલી તકે ફાટક વ્યવસ્થાનો યોગ્ય ઉકેલ નહીં આવે, નિયમિત રીતે ફાટક ખોલવામાં નહીં આવે અને ટ્રાફિક માટે યોગ્ય ડાયવર્ઝન આપવામાં નહીં આવે, તો સર્વ ગ્રામજનો ભેગા મળી ઉગ્ર આંદોલન કરશે.